પુતિને બંધારણ સુધારા જાહેર કરતાં જ રશિયાના વડાપ્રધાન સહિતની કેબિનેટનું રાજીનામુ

પ્રમુખ વ્લાદિમીર પુતિને બંધારણમાં શ્રેણીબદ્ધ સુધારાઓ કર્યા પછી નારાજ રશિયન વડાપ્રધાન દિમિત્ર મેદવેદેવે પોતાની કેબિનેટ સાથે રાજીનામુ આપી દીધું હતું. પુતિને તેમનું રાજીનામુ સ્વીકારીને જ્યાં સુધી કોઇ નવી કેબિનેટની રચના ના થાય ત્યાં સુધી મંત્રિઓને કાર્યવાહક સરકાર કરીકે કામ કરવા માટે કહ્યું છે. રાજીનામાની જાહેરાત કરતાં પહેલા મેદવેદેવે પુતિન સાથે મુલાકાત કરી હતી.

દિમિત્ર મેદવેદેવે કહ્યું હતું કે પ્રમુખ પુતિનના આ પ્રસ્તાવથી સત્તાના સંતુલનમાં મહત્વના ફેરફારો થસે. તેમણે કહ્યું હતું કે આ ફેરફાર જ્યારે લાગુ થઇ જશે તો માત્ર બંધારણના તમામ અનુચ્છેદ નહીં બદલાય પણ સત્તાનું સંતુલન અને પાવર પણ બદલાશે. એક્ઝિક્યુટિવનો પાવર, કેબિનેટનો પાવર, જ્યુડિશરીનો પાવર બધામાં જ ફેરફાર આવશે. તેથી હાલની આ સરકારે રાજીનામુ આપી દીધું છે. પુતિને બંધારણમાં જે ફેરફારના જે પ્રસ્તાવ મુક્યા છે તેના માટે દેશભરમાંથી મત લેવાશે, તેના દ્વારા સત્તાનો પાવર રાષ્ટ્રપતિને સ્થાને સંસદ પાસે વધુ રહેશે. પુતિને વડાપ્રધાન પદ છોડનારા મેદવેદેવને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ડેપ્યુટી ચેરમેન બનાવવાનો નિર્ણય કર્યો છે.

અચાનક જ રશિયાની સરકારે આપેલું રાજીનામુ અચરજ પમાડનારુ રહ્યું છે. પુતિને એક નિવેદનમાં સરકારને તેની સિદ્ધિઓ માટે અભિનંદન આપ્યા હતા અને તેમણે મેદવેદેવનો આભાર માન્યો હતો, જો કે તેમણે સાથે જ એવું પણ કહ્યું હતું કે વડાપ્રધાન પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા છે.