ભારત સામેની ટી-20 સીરિઝ માટેની ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર : ઇજાગ્રસ્ત બોલ્ટ-ફર્ગ્યુસન બહાર

ભારત સામેની આગામી ટી-20 સીરિઝમાં ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યુસન ઇજાને કારણે રમી નહીં શકે એ કારણથી ન્યૂઝીલેન્ડે લગભગ અઢી વર્ષના ગાળા પછી મધ્યમ ઝડપી બોલર હામિશ બેનેટને ટીમમાં પાછો બોલાવ્યો છે. 32 વર્ષનો આ બોલર 2011 વર્લ્ડકપમાં રમ્યો હતો. તેણે 16 વન ડેમાં 27 વિકેટ લીધી છે, જો કે 2011 વર્લ્ડકપ પછી તે માત્ર 4 જ મેચ રમી શક્યો છે.

બેનેટે હજુ ટી-20 ક્રિકેટ રમ્યો નથી, જો કે છેલ્લા કેટલીક સિઝનમાં ડોમેસ્ટીક ક્રિકેટમાં તેનું પ્રદર્શન પ્રભાવક રહ્યું છે. ન્યૂઝીલેન્ડના પસંદગીકાર ગેવિન લારસને કહ્યુ હતું કે છેલ્લી કેટલીક સિઝનમાં તે પ્રભાવક પ્રદર્શન કરી રહ્યો છે. તેની પાસે સ્પીડ, બાઉન્સ અને વેરિએશનના કારણે તે ઘણો ઉપયોગી સાબિત થશે.

ન્યૂઝીલેન્ડના ઝડપી આક્રમણ પર ઇજાને કારણે મોટી અસર થઇ છે. મેટ હેનરી, ડગ બ્રેસવેલ અને એડમ મિલ્ને પણ ઇજાને કારણે આઉટ છે. ભારતીય ટીમ 24 જાન્યુઆરીછી શરૂ થઇ રહેલા આ પ્રવાસમાં 5 ટી-20 મેચ 3 વન ડે અને 2 ટેસ્ટ રમશે.

ભારત સામેની સીરિઝ માટેની ન્યૂઝીલેન્ડની ટી-20 ટીમ : કેન વિલિયમ્સન (કેપ્ટન), હામિશ બેનેટ, ટામ બ્રુસ, કોલિન ડે ગ્રાન્ડહોમ, માર્ટિન ગપ્તિલ, સ્કાટ કે, ડેરિલ મિશેલ, કોલિન મનુરો, રોસ ટેલર, બ્લેયર ટિકનેર, મિચેસલ સેન્ટનર, ટિમ સીફર્ટ, ઇશ સોઢી અને ટિમ સાઉધી.