નવસારીમાં હાડકાં થીજાવાતી ઠંડી, પારો 5.3 ડીગ્રીએ, 23 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

નવસારીમાં કાતીલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન ખાતાના આંકડા મુજબ નવસારીમાં ઠંડીએ 23 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આજે નવસારીનું તાપમાન માત્ર 5.3 ડિગ્રી પર આવીને પહોંચ્યું છે. નવસારીમાં ઠંડીના મોજા વચ્ચે શાળાઓમાં વિદ્યાર્થીઓ ઠુંઠવાતા જોવા મળ્યા હતા.

નવસારીમાં વધુમાં વધુ તાપમાન 24.7 ડિગ્રી નોંધાયું હતું અને ઓછામાં ઓછું તાપમાન 5.3 ડિગ્રી નોંધાયું હતું. વહેલી સવારે ભેજનું પ્રમાણ 81 ટકા હતું અને પવનની ઝડપ 2.7 પ્રતિ કિમીની રહી હતી. ઉત્તર-પૂર્વની તરફનો પવન ફૂંકાઈ રહ્યો છે.

આકરી ઠંડીના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. મોટાભાગના લોકોને દિવસભર ગરમ કપડાનો સહારો લેવો પડયો હતો. જ્યારે વૃદ્ધો, બાળકો અને બિમાર લોકોના કાતીલ ઠંડીના કારણે હાજા ગગડી ગયા હતા. નવસારીના રસ્તા પર લોકોની અવર જવર પણ પાંખી થઇ ગઇ હતી. નછૂટકે નીકળવું પડે તેવા લોકોએ પણ બપોરના સમયે જ નિકળવાનું મુનાસીબ માન્યું હતું. દિવસભર ઠંડીના કહેરના કારણે અનેક લોકોને ઘરમાં પુરાઇ રહેવાની ફરજ પડી હતી.