26 જાન્યુઆરીએ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાનો પર્દાફાશ, જૈશના પાંચ આતંકી પકડાયા

26 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલા કરવાનું કાવતરું ઘડનારા જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે કરેલી મોટી કાર્યવાહીમાં આ આતંકવાદીઓને શ્રીનગરના હજરતબલ વિસ્તારમાંથી ઝબ્બે કરવામા આવ્યા છે. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક અને અન્ય વસ્તુઓ મળી આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે આતંકવાદીઓના મોટા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને ગુરુવારે સાંજે હઝરતબલ પાસેથી આ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓ 26 જાન્યુઆરીની આસપાસ શ્રીનગરમાં ફિદાઈન અથવા આઈઈડી હુમલાની યોજના ઘડી રહ્યા હતા. પોલીસે આ આતંકવાદીઓ પાસેથી વિપુલ પ્રમાણમાં વિસ્ફોટકો અને અન્ય વસ્તુઓ કબ્જે કરી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આતંકીઓ ખીણમાં જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા હતા. પકડાયેલા આતંકવાદીઓ ખીણમાં ગ્રેનેડ હુમલો કરવાની બે ઘટનામાં સંડોવાયેલા છે. એજન્સીઓના અધિકારીઓ આ તમામની કડક પૂછપરછ કરી રહ્યા છે અને માનવામાં આવે છે કે ખીણમાં થઈ રહેલા આતંકવાદી કાવતરાં અંગે આ આતંકવાદીઓ પાસેથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવી શકાય છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી બે આતંકવાદીઓની સેના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદીઓની સાથે કુલગામમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી દેવિન્દર સિંહની પણ અધિકારીઓએ ધરપકડ કરી હતી. દેવિન્દર સિંહની આતંકવાદીઓને મદદ કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.