બીસીસીઆઇના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી મહેન્દ્ર સિંહ ધોની આઉટ : કોઇ કેટેગરીમાં ન સમાવાયો

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા છેલ્લા 6 મહિનાથી મેદાનથી દૂર માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર મુકી દીધો છે. ક્રિકેટ બોર્ડ દ્વારા ગુરૂવારે જાહેર કરાયેલા કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી ધોની આઉટ થઇ ગયો છે. વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમી ફાઇનલમાં પરાજય મળ્યા પછી ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે, તે ટેસ્ટમાંથી તો ઘણો પહેલા નિવૃત્તિ લઇ ચુક્યો છે.

બીસીસીઆઇ દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે હવે એવું માનવામાં આવે છે કે ધોનીનું નેશનલ ટીમમાં રમવું હવે મુશ્કેલ થઇ ગયું છે. બીસીસીઆઇ દ્વારા જાહેર કરાયેલા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ધોનીને એકપણ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ યાદીમાં નામ ન હોવાથી એવું માનવામાં આવે છે કે બીસીસીઆઇએ ધોનીને ઇશારો કરી દીધો છે. બોર્ડ દ્વારા ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 માટેના કોન્ટ્રાક્ટ લિસ્ટને જાહેર કરવામાં આવ્યું છે. કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહને ગ્રેડ A+ માં રાખવામાં આવ્યા છે. રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્નર કુમાર, મહંમદ શમી, ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ, અજિંકેય રહાણે, શિખર ધવન, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ અને ઋષભ પંતને ગ્રેડ A માં રખાયા છે.

આ સિવાય બીસીસીઆઇએ રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, યજુવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલને ગ્રેડ Bમાં રાખવામાં આવ્યા છે, જ્યારે કેદાર જાદવ, નવદીપ સૈની, દીપક ચાહર, મનીષ પાંડે, હનુમા વિહારી, શાર્દુલ ઠાકુર, શ્રેયસ ઐય્યર, વોશિંગ્ટન સુંદરને ગ્રેડ Cમાં રાખવામાં આવ્યા છે. ભારતને પોતાની કેપ્ટનશિપમાં 2011નો વર્લ્ડકપ જીતાડી ચુકેલા ધોનીએ પોતાની કેરિયરમાં 90 ટેસ્ટ, 350 વન ડે અને 98 ટી-20 ઇન્ટરનેશનલ રમી છે, ટેસ્ટ ક્રિકેટમાંથી તેણે ક્યારની નિવૃત્તિ લઇ લીધી છે અને તેમાં તેણે 4876 રન કર્યા છે. જ્યારે વન ડેમાં તેના નામે 10773 અને ટી-20 ઇન્ટરનેશનલમાં 1617 રન કર્યા છે.