કાશ્મીર મુદ્દે ગયા મહિને સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં (યુએનએસસી) બંધ કમરામાં બેઠકકરવાના પ્રયાસ નિષ્ફળ ગયા બાદ ચીને ફરીથી આ મુદ્દો ઉઠાવ્યો હતો જેના પગલે આજે રાત્રે કાશ્મીર પર સુરક્ષા પરિષદમાં બેઠક થઈ હતી. આ મામલે ફ્રાન્સે ભારતના વલણની તરફેણમાં કહ્યુ હતુંં કે કાશ્મીર મુદ્દે સમાધાન દ્વિપક્ષીય રીતે જ થવું જોઈએ.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ આ જ પ્રકારની બેઠક થઈ હતી, ભારતે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધા બાદ ચીને તે બેઠક બોલાવી હતી. પણ તે બેઠક પાકિસ્તાન માટે નિરાશાજનક સાબિત થઈ હતી. સુરક્ષા પરિષદના સભ્યોએ ભારતની ટીકા કરી ન હતી અને એ વાતે સંમત થયા હતા કે જમ્મુ કાશ્મીર આંતરિક મુદ્દો છે. યુએનએસસીમાં કાશ્મીર પર એક અન્ય બેઠક ડિસેમ્બર મહિનામાં યોજાવાની હતી પણ તે બેઠક થઈ ન હતી.
ચીન સિવાય યુએનએસસીના અન્ય ચાર કાયમી સભ્યો ફ્રાન્સ, રશિયા, અમેરિકા અને બ્રિટન સતત નવી દિલ્હીની સ્થિતિને ટેકો આપે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ દ્વિપક્ષીય બાબત છે.
દરમિયાન ફ્રાન્સના રાજદ્વારી સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું કે ફ્રાન્સને સુરક્ષા પરિષદના એક સભ્ય તરફથી ફરીથી કાશ્મીર મુદ્દો ઉઠાવવાની વિનંતી મળી છે અને પાછલી બેઠકની જેમ આ વખતે પણ ફ્રાન્સ તેનો વિરોધ કરશે. ફ્રાન્સે કહ્યું હતું અમારું વલણ સ્પષ્ટ છે કે કાશ્મીર મુદ્દોનું સમાધાન દ્વિપક્ષીય રીતે થવું જોઈએ. અને અમે સુરક્ષા પરિષદમાં આ જ વાત વારંવાર કહીશું.
ભારત અને પાકિસ્તાન આ બેઠકમાં ભાગ લેશે નહીં કારણ કે સુરક્ષા પરિષદના કાયમી સભ્યો જ આ બેઠકમાં ભાગ લે છે. આ બેઠક અનૌપચારિક હોય છે આ કારણથી તે અંગે કોઈ નિવેદન આપવામાં આવતું નથી.