કલમ 370ની મોટાભાગની જોગવાઇ હટાવવી ઐતિહાસિક પગલું : આર્મી ચીફ જનરલ નરવણે

સૈન્યના વડા જનરલ મનોજ મુકુંદ નરવાણેએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની મોટાભાગની જોગવાઇઓ હટાવી દેવાના પગલાને ઐતિહાસિક ગણાવતા બુધવારે કહ્યું હતું કે તેની પશ્ચિમી પાડોશી દેશ દ્વારા છેડાયેલા છદ્મ યુદ્ધ પર મોટી અસર પડી છે.

તેમણે કરિયપ્પા પરેડ મેદાન પર 72માં સૈન્ય દિવસે પેતાના સંબોધનમાં કહ્યું હતું કે સશસ્ત્ર સૈન્ય સૈન્ય ત્રાસવાદને કદી સાંખી શકતું નથી. નરવણેએ કહ્યું હતું કે ત્રાસવાદને ઉત્તેજન આપનારાઓને જવાબ આપવા માટે આપણી પાસે ઘણાં વિકલ્પ છે અને તેનો ઉપયોગ કરતાં અમે અચકાઇશું નહીં.

ગત વર્ષે પાંચમી ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 હટાવી લઇને રાજ્યને બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવી દીધા હતા. આર્મી ચીફે કહ્યું હતું કે કલમ 370ને હટાવવું એક ઐતિહાસિક પગલું છે, જમ્મુ-કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે તે મહત્વનું પુરવાર થશે. તેમણે કહ્યું હતું કે દેશે ગત વર્ષે કેટલાક સુરક્ષા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

જનરલ નરવણેએ કહ્યું હતું કે માત્ર છદ્મ યુદ્ધ જ નહીં પણ અન્ય સ્થિતિઓમાં પણ એ પડકારોનો સામનો કરવો પડ્યો છે. પછી તે એલઓસી પર હોય કે એલએસી પર હોય, જો કે અમે સક્રિયતા અને મજબૂતાઇથી સુરક્ષાની કટિબદ્ધતા જાળવી છે એવું કહીને તેમણે ઉમેર્યું હતું કે ચીન સાથે જોડાયેલી સરહદે પણ એટલી જ શાંતિ જળવાઇ હતી.