80 કિલો વજન ધરાવતા 100 વર્ષનાં કાચબાએ વિલુપ્ત થઇ રહેલી એક પ્રજાતિને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ડિએગો નામના આ કાચબાએ એક કે બે નહીં પરંતુ 800 કાચબાને જન્મ આપવામાં ભૂમિકા ભજવી છે.
ડિએગો નામનો આ કાચબો ચેલોનોએડિસ હૂડેનસિસ નામની પ્રજાતિનો છે. આશરે 50 વર્ષ પહેલા આ પ્રજાતિના ફક્ત 2 નર અને 12 માદા કાચબા જ બચ્યા હતા અને તે ખૂબ વિશાળ ગાલાપોગાસ આઇલેન્ડ પર રહેતાં હોવાથી તેમની વસ્તી વધવામાં મુશ્કેલી થઇ રહી હતી. દરમિયાન ડિએગોને 1965માં 14 અન્ય કાચબાઓ સાથે કૈપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામ અંતર્ગત દક્ષિણી કેલિફોર્નિયા સ્થિત સાંતાક્રૂઝ આઇલેન્ડ ઝૂમાં લાવવામાં આવ્યો હતો. તેને સૌથી પહેલા આ પ્રજાતિની 12 માદા સાથે રાખવામાં આવ્યો હતો.
પાર્કના રેન્જરના કહેવા પ્રમાણે આ સમયગાળા દરમિયાન આ પ્રજાતિના કાચબાની વસ્તી 2000 જેટલી વધી છે એટલે કે, 40 ટકા કાચબાના બચ્ચાઓને જમ્મ આપવામાં ડિએગોની ભૂમિકા રહી છે. આશરે પાંચ દશકાઓ સુધી પોતાની પ્રજાતિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવ્યા પછી તેને આ વર્ષે માર્ચ મહિનામાં નિવૃત કરી ફરી તેના ઘર પ્રશાંત મહાસાગર સ્થિત ગાલાપોગાસ આઇલેન્ડ પર મોકલી આપવામાં આવશે.