ગુજકોટોક: અમદાવાદમાં નોંધાયો પ્રથમ ગુનો, ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી પર હતા આટલા બધા ગુના

ગુજરાતમાં ગુજકોટોક કાયદો અમલમાં આવ્યા બાદ  આ કાયદા હેઠળ પ્રથમ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદમાં આ કાયદા હેઠળ પહેલો ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદમાં કુખ્યાત અને ખૂંખાર ખંડણીખોર વિશાલ ગોસ્વામી અને તેના સાગરિતો સામે આ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર સભ્યોની મેઘાણીનગર વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

અમદાવાદ મેઘાણીનગરમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા વિશાલ ગોસ્વામી ગેંગના સભ્યો પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. તો વિશાલ હાલ સાબરમતી જેલમાં છે અને જેલમાંથી પોતાની ગેંગ ચલાવતો હોવાની શંકા છે. ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાં પણ દરોડા પાડ્યા હતાં અને જેલમાં ફોન દ્વારા તે પોતાની ગેંગને ઓપરેટ કરતો હતો. શહેરમાં ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ ફરી સક્રિય થઈ છે. ગોસ્વામી ગેંગ દ્વારા શહેરના મોટા વેપારીઓને ધમકીભર્યા ફોન કરવામાં આવી રહ્યા છે અને ખંડણી માંગવામાં આવી રહી છે.

વિશાલની ક્રાઈમ ડાયરી જોઈએ તો ભારાસર, કચ્છ-બીઓબી બ્રાન્ચમાં ફાયરીંગ કરી ૧ર લાખની લૂંટ, અમદાવાદના ઘાટલોડિયા, નંદ જ્વેલર્સના માલિક પર ફાયરીંગ, લૂંટની કોશિશ, અમદાવાદના વસ્ત્રાપુરમાં પ્રકાશ સોનીને ગોળી મારી મોત નિપજાવી લૂંટ, અમદાવાદના નવરંગપુરામાં ભાનુ જ્વેલર્સના માલિકો પર ફાયરીંગ, અમદાવાદના સોલામાં પ્રકાશ પટેલ (સોની) પાસેથી 10 લાખની ખંડણીની માગણી, અમદાવાદના સોલામાં બાઈક પર આવી ફાયરીંગ કરીને 3.50 લાખની લૂંટ, અમદાવાદના ઘાટલોડિયામાં પંકજ સોનીની હત્યા અને 2.50 લાખની લૂંટ, અમદાવાદના વેજલપુરમાં મધુવન કોમ્પ્લેક્સમાં મુથ્થુટ ફાયનાન્સમાં લૂંટની કોશિશ અને અમદાવાદના વટવા-પીપળજ એડીસી બેંકમાં ફાયરીંગ કરી રૃપિયા 5.50 લાખની લૂંટના ગુન્હાઓ નોંધાયા છે. તે ઉપરાંત વિશાલે અમદાવાદમાં ૩ હત્યા સહિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં મળી કુલ 13 હત્યા કરી છે, જ્યારે હત્યા સહિતના 50 ગુના ઓમાં વિશાલ પાંચ રાજ્યોમાં વોન્ટેડ હતો.

ગુજકોટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટમાં રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળે છે તથા ગુન્હા નિયંત્રણ માટે વિશ્વાસ દૃઢ બને છે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યોય અને સંગઠિત ગુન્હા માટે શિક્ષાની જોગવાઈ કરાઈ છે. સાથે સાથે સંગઠિત ગુન્હા સિન્ડિકેટના સભ્યો વતી બિનહિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઈ કરાઈ છે. ઉપરાંત ગુન્હાની ઈન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઈ કરાઈ છે. વિવિધ ગુન્હા સંબંધમાં વિશેષ કોર્ટની સત્તાની જોગવાઈ પણ છે. પબ્લિક પ્રોસિક્યુટર, વધારાના પબ્લિક પ્રોસિક્યુટર અને ખાસ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરાશે, જે આતંકવાદીને લગતા તથા સંગઠિત ગુન્હા નિયંત્રણના કેસો જ લડશે. ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિશેષ કોર્ટની રચના કરાશે.