આ તારીખો પહેલાં બેન્કનું કામકાજ પતાવી લેજો, કર્મચારીઓ જઈ રહ્યા છે હડતાળ પર

બેંક યુનિયનોએ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ બે દિવસની હડતાલની હાકલ કરી છે. ભારતીય બેંક્સ એસોસિએશન સાથે સરકારની પગાર વધારા અંગેની વાટાઘાટો નિષ્ફળ ગયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવ ટ્રેડ યુનિયનોનું પ્રતિનિધિત્વ કરતા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ જણાવ્યું હતું કે, બેંક કર્મચારીઓ 11-13 માર્ચના રોજ ત્રણ દિવસીય હડતાલ પર ઉતરશે.

UFBUના રાજ્ય કન્વીનર સિદ્ધાર્થ ખાને કહ્યું કે,પહેલી એપ્રિલથી અમે અનિશ્ચિત હડતાલ પર જવાનું નક્કી કર્યું છે. UFBU દ્વારા પગારમાં ઓછામાં ઓછા 15 ટકા વધારાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ આઇબીએએ 12.25 ટકાનો વધારો નક્કી કર્યો છે. ખાને કહ્યું, ‘આ સ્વીકાર્ય નથી.’

પગાર સુધારણા અંગે છેલ્લી બેઠક 13 જાન્યુઆરીએ યોજાઇ હતી. આઇબીએએ 12.25 ટકા પગાર વધારાની ઓફર કરી છે, જેને બેંક યુનિયનોએ નકારી હતી.

આ દિવસે કર્મચારીઓ હડતાલ પર ઉતરશે

  • 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી
  • 11, 12 અને 13 માર્ચે હડતાલ
  • 1 એપ્રિલથી અનિશ્ચિત સમય માટે બેંકની હડતાલ
  • 1 નવેમ્બર 2017થી બેંક કર્મચારીઓનો પગાર વધારો બાકી છે.