એજાઝ લાકડાવાળાનો ઘટસ્ફોટ: “દાઉદ ઈબ્રાહીમ કરાંચીમાં જ છે”

મુંબઈ એન્ટી એક્સટોર્શન સેલ દ્વારા ખંડણીના કેસમાં અધારી આલમના ડોન દાઉદ ઈબ્રાહીમની નજીકના મનાતા એજાઝ લાકડાવાળાની ગયા અઠવાડિયે પટનામાંથી ધરપકડ કરવામાં આવી હતી. હાલ એજાઝ પોલીસ રિમાન્ડ હેઠળ છે ત્યારે ડોન દાઉદ અંગે એજાઝ લાકડાવાળાએ કેટલાક ચોંકાવનારા ખૂલાસા કર્યા હોવાનું મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું છે.

ન્યૂઝ ચેનલે આપેલી માહિતી મુજબ એજાઝ લાકડાવાળાએ મુંબઈ પોલીસ દાઉદના ઠેકાણા વિશે વિગતો આપી છે અને જણાવ્યું છે કે દાઉદ ઈબ્રાહીમ હાલ પાકિસ્તાનના કરાંચીમાં જ રહે છે. પાકિસ્તાની આર્મી દ્વારા તેના સંરક્ષણ આપવામાં આવ્યું છે. પાક.આર્મીની દેખરેખમાં દાઉદ ઈબ્રાહીમ હોવાની કબૂલાત એજાઝ લાકડાવાળાએ કરી હોવાનું ન્યૂઝ ચેનલે જણાવ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દાઉદ કરાંચીમાં બે સ્થળે રહે છે. એજાઝે બે સરનામા કન્ફર્મ પણ કર્યા છે. પહેલું સરનામું-6A, ખાયાબન, તન્ઝીમ ફેસ-5, ડિફેન્સ હાઉસીંગ એરિયા, કરાંચી અને બીજું સરનામું છે D13, બ્લોક નંબર-4 ક્લિફ્ટન, કરાંચી-પાકિસ્તાન.

અત્રે નોંધનીય છે કે એજાઝ લાકડાવાળાની સાથે તેની દિકરી સોનિયા લાકડાવાળા ઉર્ફે સોનિયા શેખની પણ પોલીસે ધરપકડ કરી છે. મુંબઈના બિઝનેસમેન પાસેથી ખંડણી માંગવાનો બન્ને પર આરોપ મૂકવામાં આવ્યો છે. એજાઝ લાકડાવાળા પાછલા કેટલાક દિવસોથી પોલીસને હાથતાળી આપતો હતો પરંતુ ખંડણીના કેસમાં પોલીસે આખરે તેને જેલ ભેગો કરી દીધો છે.