બુર્જ ખલીફા પર વિજળી પડવાની 7 વર્ષથી રાહ જોતા વ્યક્તિની ઇચ્છા થઇ પુરી

યુએઇના દુબઇમાં હાલમાં જોરદાર પવન સાથે વરસાદ પડ્યો અને તેના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો થયો હતો. જો કે આ દરમિયાન કંઇક એવું થયું કે જેની રાહ છેલ્લા 7 વર્ષથી એક ફોટોગ્રાફર જોઇ રહ્યો હતો. ઝોહેબ અંજુમ નામનો આ ફોટોગ્રાફર 7 વર્ષથી રાહ જોઇ રહ્યો હતો કે બુર્જ ખલીફા પર વિજળી પડે અને તેની આ ઇચ્છા હાલમાં દુબઇમાં પડેલા વરસાદમાં પુરી થઇ હતી, બુર્જ ખલીફા પર વિજળી પડવાનું દૃશ્ય પોતાના કેમેરામાં કંડારવા માટે ઝોહેબ આખી રાત રણમાં જ વરસાદની વચ્ચે એક કેમ્પમાં કાઢી હતી કે જેથી તેને જેવો જોઇતો હતો તેવો પરફેક્ટ શોટ તે મેળવી શકે.

ઝોહેબ અંજુમ નામક આ ફોટોગ્રાફર આખી રાત રણમાં વરસાદની વચ્ચે એક નાના તંબુમાં રહ્યો હતો, કે જેથી તેને શ્રેષ્ઠતમ શોટ મળી શકે. ફોટો લીધા પછી ઝોહેબે કહ્યું હતું કે આ ફોટો તેના માટે 2020ના વર્ષની એક સારી શરૂઆત રહી છે. મારા માટે એ પળ ઘણી કિંમતી હતી, જ્યારે 2720 ફૂટ ઉંચા બુર્જ ખલીફાના ઉપરના ભાગે વિજળીનો તેજ લિસોટો અથડાયો. ઝોહેબ અંજુમના આ ફોટાને બુર્જ ખલીફા વહીવટીતંત્ર અને દુબઇના રાજકુમાર શેખ હમદાને પોતાના ટિ્વટર હેન્ડલ પરથી શેર કરી છે. ઝોહેબે જણાવ્યું હતું કે જ્યારે આ વિજળી બુર્જ ખલીફા સાથે અથડાઇ ત્યારે સમગ્ર દુબઇનું આકાશ ભૂરા રંગના પ્રકાશમાં રંગાયું હતું.