સુપ્રીમ કોર્ટ સામે ઝૂકી સરકાર: જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ ફરીથી ધબકતા થયા

જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાને શરૃ કરવાનો નિર્ણય કરાયો છે. જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં ઈ-બેંકીંગ સહિતની સુરક્ષિત વેબસાઈટ જોવા માટે પોસ્ટપેડ મોબાઈલ પર 2-G ઈન્ટરનેટ કનેક્ટિવિટીને મંજુરી આપવામાં આવી છે. આ આદેશ 15 જાન્યુઆરીથી સાત દિવસ સુધી લાગુ રહેશે.

આ ઉપરાંત હોટેલ, પ્રવાસના સ્થળો અને હોસ્પિટલ સહિત જરૃરી સેવા પૂરી પાડનાર સંસ્થાઓમાં બ્રોડબેન્ડ સુવિધા શરૃ કરાશે. વહીવટી તંત્ર દ્વારા આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે સુપ્રિમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ પર લાગેલા પ્રતિબંધની સમીક્ષા કરવાનું કહ્યું હતું.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે જરૃરી સેવા પૂરી પાડનાર બધી સંસ્થાઓ, હોસ્પિટલ, બેન્ક, સરકારી ઓફિસમાં બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવામાં આવશે. આમાં સોશિયલ મીડિયાને બહાર રાખવામાં આવ્યું છે. કાશ્મીરમાં 400 ઈન્ટરનેટ કિયોસ્ક લગાવવાની અનુમતિ અપાઈ છે.