450 વર્ષથી લાવા ઓકતો ફિલિપાઈન્સનો “તાલ” જ્વાળામુખી ફાટ્યો, લોકોમાં ભય, સુનામીની ચેતવણી

ફિલિપાઈન્સમાં તાલ જ્વાળામુખી ફાટતા લાવા નીકળવાનું શરૂ થઈ ગયું છે. જ્વાળામુખીમાં વિસ્ફોટ થવાના કારણે દિવસો સુધી મનીલામાં રાખના વાદળોની સ્થિતિ નિર્માણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સોમવારે વહેલી સવારે તાલા જ્વાળામુખી લાવાને બહાર ફેંકવાનું શરૂ કર્યું હતું. ફિલિપાઈન્સની રાજધાની મનીલાથી દક્ષિણમાં લગભગ 70 કિલોમીટર (45 માઇલ) દૂર જ્વાળામુખી ફાટ્યો હતો. લાવા ફેંકાતા મનીલાના વિસ્તારમાંથી આશરે 8,000 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

લાવા બહાર ફેંકાતા રાખના વિશાળ વાદળ ફેલાઈ જવા પામ્યા છે. તાલ ફિલિપાઇન્સનો બીજો સૌથી સક્રિય જ્વાળામુખી છે. આ વિશ્વના સૌથી નાના જ્વાળામુખીમાંનો એક છે અને પાછલા 450 વર્ષોમાં તેમાં ઓછામાં ઓછા 34 વિસ્ફોટો નોંધાયા છે.

ફિલીપાઈન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી” (PHIVOLCS) એ જણાવ્યું કે તાલ જ્વાળામુખી તીવ્ર સ્થિતિમાં આવી ચૂક્યો હતો અને મેગ્મેટિક વિસ્ફોટ તરફ આગળ વધ્યો હતો. સોમવારે 2:49 થી 4:28 વાગ્યે સુધી જ્વાળામુખીમાં ભયાનક વિસ્ફોટ થયા હતા અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લાવાનાં ફુવારા સાથે વીજળીના કડાકા-ભડાકા જેવું વાતાવરણ જોવા મળ્યું છે.

PHIVOLCS એ જ્વાળામુખી ફાટવાના કારણે સુનામીની પણ ચેતવણી આપી છે. જ્વાળામુખીએ રવિવારે રાખનો વિશાળ પ્લમ બહાર કાઢ્યો તો સાથો સાથ લોકોએ ધ્રુજારી પણ અનુભવી હતી.

લાવાની રાખ નજીકના ઘણા વિસ્તારોમાં પડી હતી . જેથી કરીને લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી હતી.

જ્વાળામુખીની રાખને કારણે મનીલાના આંતરરાષ્ટ્રીય વિમાનમથકની ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી. મનીલા સ્ટોક એક્સચેંજે આજના દિવસ પૂરતા કામકાજને બંધ રાખવાની જાહેરાત કરી હતી.