ધવન-રાહુલ માટે પોતાનો બેટિંગ ક્રમ બદલવા કેપ્ટન કોહલી તૈયાર

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે એવો સંકેત આપ્યો હતો કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અહીં રમાનારી પહેલી વન ડે ઇન્ટરનેશનલ મેચમાં અંતિમ ઇલેવનમાં શિખર ધવન અને લોકેશ રાહુલ બંનેને ટીમમાં સ્થાન આપવા માટે હું બેટિંગ ક્રમમાં નીચલા ક્રમે આવી શકુ છું. વાઇસ કેપ્ટન રોહિત શર્મા અંતિમ ઇલેવનમાં સામેલ થાય તે નક્કી છે, પણ ટીમ મેનેજમેન્ટે ધવન અને રાહુલ બેમાંથી એકની પસંદગી કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. કેપ્ટનને જો કે એવું કોઇ કારણ નથી દેખાતું કે આ બંને નહીં રમી શકે.

ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં ધવન અનેં રાહુલ બંને રમશે, હું નીચેના ક્રમે બેટિંગ કરવા ઉતરીશ : વિરાટ કોહલી

કોહલીએ મેચની પૂર્વ સંધ્યાએ તેણે કહ્યું હતું કે જુઓ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડી ટીમ માટે હંમેશા સારા રહે છે. ચોક્કસ જ તમે ઇચ્છો છો કે સર્વશ્રેષ્ઠ ખેલાડી ઉપલબ્ધ રહે અને તે પછી પસંદ કરો છો કે ટીમનું સંયોજન શું હોવું જોઇએ. એવી સંભાવના થઇ શકે છે કે એ ત્રણે મતલબ કે રોહિત, ધવન અને રાહુલ રમી શકે છે. તેને જ્યારે એવું પુછાયું કે શું તું બેટિંગ ક્રમમાં નીચલા ક્રમે ઉતરશે. ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે હાં તેની સંભાવના છે. એવું કરવામાં મને ઘણી ખુશી થશે. મેં મારા માટે કોઇ ક્રમ નક્કી નથી કર્યો. હું ક્યાં બેટિંગ કરું તે બાબતે હું અસુરક્ષા નથી અનુભવતો. કોહલીએ કહ્યું કે મારા માટે અંગત સિદ્ધિઓ પાછળ ભાગવાથી વધુ મહત્વપૂર્ણ એ છેમ કે હું કેપ્ટન તરીકે કેવો વારસો છોડી જાઉં છું.

તેણે કહ્યું હતું કે ટીમના કેપ્ટન તરીકે એ સુનિશ્ચિત કરવાનું મારું કામ છે કે તે પછીનું ગ્રુપ તૈયાર રહે. ક્યારેય અન્ય લોકો એ નથી વિચારતા પણ એક કેપ્ટન તરીકે તમારું કામ હાલની ટીમને જોવાનું જ નહીં પણ એક એવી નવી ટીમ તૈયાર કરવાનું પણ છે, કે જેની તમે કોઇ અન્યને જવાબદારી સોંપીને જવાના છો.