શું જીતુ વાઘાણીને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે રિપીટ કરાશે? શું સંકેત આપી રહ્યા છે ભાજપની ભીતરના સમીકરણો

ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફારની શરૂઆત કરી દેવામાં આવી છે. તાલુકા અને જિલ્લા સ્તરે નવા પ્રમુખોને નિમણૂંક આપવામાં આવી રહી છે અને હવે ઉત્તરાયણ બાદ શહેર અને જિલ્લાના પ્રમુખોની વરણી કરવાની કવાયત હાથ ધરવામાં આવનાર છે. કમૂર્તા બાદ ભાજપ સંગઠનમાં નવેસરથી હોદ્દેદારોની વરણીને આખરી ઓપ આપશે ત્યારે ભાજપમાં નવા પ્રમુખને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે.

પ્રથમ તો હાલના પ્રમુખ જીતૂ વાઘાણીને બદલવામાં આવશે કે કેમ? તે ચર્ચા રાજકીય વર્તુળોમાં ખાસ્સી ગરમાટો આણનારી બની રહી છે. જીતુ વાઘાણી રિપીટ થશે કે બદલાશે તેને લઈને ભાજપના નેતાઓ ચર્ચા જોવાઈ રહ્યા છે.

જીતુ વાઘાણીને નહીં બદલવા માટેના કારણો એ છે કે તેઓ પાટીદાર સમાજમાં આવે છે અને પાટીદાર સમાજમાં હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની નજીક જીતુ વાઘાણી કરતાં અન્ય કોઈ નેતા જોવા મળી રહ્યા નથી. જીતુ વાઘાણીને નહીં બદલા માટેના કારણોમાં હાલ ભાજપ પાસે અમિત શાહના વિશ્વાસુ કહી શકાય તેવા અન્ય કોઈ નેતા જોવા મળી રહ્યા નથી. મનસુખ માંડવીયાનું ચર્ચામાં આવે છે પણ તેમના પર બેનનું લેબલ લાગેલું છે. વાસ્તે તેઓ પ્રદેશ પ્રમુખની રેસમાંથી આપોઆપ આઉટ થઈ જાય તેવી સ્થિતિ છે.

આ ઉપરાંત જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ પદેથી રિપીટ કરવામાં નહીં આવે તો તેમને સરકારમાં લઈ જવા પડે એમ છે. હાલ સરકારમાં પાટીદાર સમાજનું નેતૃત્વ સમતોલ લેવલે છે. નીતિન પટેલ, કૌશિક પટેલ, આરસી ફળદુ જેવા નેતાઓ સરકારમાં બેઠાં છે ત્યારે વાઘાણીને પણ સરકારમાં લઈ જવા માટે બે વખત વિચાર જરૂર કરશે.

આમ પણ કેબિનેટના રિશફલીંગની પણ ચર્ચા જોરમાં ચાલી રહી છે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે તેમાં હાલના કેટલાક નેતાઓ પૈકી ઘણના ખાતાઓ બદલાશે અને ત્રણથી ચાર મંત્રીઓને વિવાદો અને કામગીરીના આધારે પડતા મૂકવામાં આવે તેવી શક્યતા છે. કેબિનેટ રિશફલીંગમાં જીતુ વાઘાણીનું નામ હાલ ચર્ચામાં નથી એવું ભાજપના ઉચ્ચ સૂત્રો જણાવી રહ્યા છે, ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીના રિપીટ થવાની શક્યતાઓ વધી ગયેલી જોવા મળી રહી છે.