ન્યૂઝીલેન્ડમાં બે ટેસ્ટ, 5 ટી-20 અને 3 વન ડે માટે આજે ટીમની જાહેરાત

બીસીસીઆઇની સીનિયર પસંદગી સમિતિ રવિવારે અહીં એક બેઠક કરીને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટીમની પસંદગી કરશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની અંતિમ વન ડે રમ્યા પછીના એક દિવસ પછી ન્યૂઝીલેન્ડ જવા રવાના થશે. આ સંબંધે એક સૂત્રએ માહિતી આપી હતી કે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટીમની પસંદગી રવિવારે કરવામાં આવશે. ભારતીય ટીમ માટે બધુ મળીને નયૂઝીલેન્ડનો આ પ્રવાસ ઘણો મહત્વનો છે.

ભારત એ ટીમ પણ ન્યૂઝીલેન્ડના પ્રવાસે રવાના થઇ છે અને તેઓ ત્યાં ન્યૂઝીલેન્ડ એ સામે રમશે અને ઘણાં ખેલાડીઓ પર પસંદગીકારોની નજર છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમ બે ટેસ્ટ, પાંચ ટી-20 અને 3 વન ડે રમશે. પસંદગીકારો આ ટીમમાં ઘણાં ફેરફાર કરવા માગે છે ત્યારે એ જોવાનું રહેશે કે કોને કોને ટીમમાં સ્થાન મળે છે અને કયા ખેલાડીને પસંદગીકારો આરામ આપશે. જો ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાને લઇને ટીમ પસંદ કરાશે તો બની શકે છે કે સૂર્યકુમાર યાદવને સ્થાન મળી શકે છે. હાલમાં સૂર્યકુમાર યાદવ ભારત-એ ટીમ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસે રવાના થયો છે.

રાહુલ અથવા ગીલની ટેસ્ટમાં ત્રીજા ઓપનર તરીકે પસંદગીની સંભાવના

ભારતીય ટીમની ઘરઆંગણેની સીરિઝ માટે રિઝર્વ તરીકે પસંદ કરવામાં આવેલો શુભમન ગીલ આમ તો ત્રીજા ઓપનર તરીકે ટીમમાં સ્થાન મેળવવાનો હકદાર છે પણ લોકેશ રાહુલના હાલના ફોર્મ અને ટેસ્ટ ક્રિકેટમાં તેના અનુભવ પર વિચારણા થવાની સંભાવના છે. પંસદગીકારો આ ઉપરાંત જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મહંમદ શમી અને ઇશાંત શર્માનો સાથ નિભાવવા માટે પાંચમા ઝડપી બોલર નવદીપ સૈનીના બદલે ત્રીજા સ્પિનર તરીકે કુલદીપ યાદવને બે ટેસ્ટની સીરિઝ માટે જરૂરી થશે કે નહીં એ પણ વિચારશે.

હજુ અનફીટ હોવાથી હાર્દિક પંડ્યાની વાપસી લંબાઇ શકે છે

ન્યૂઝીલેન્ડના આગામી છ અઠવાડિયા લાંબા પ્રવાસ માટે ભારતની મર્યાદિત ઓવરોની ટીમમાં કોઇ ઝાઝા ફેરફાર થવાની સંભાવના આમ તો દેખાતી નથી અને તેમાં એકમાત્ર ફેરફાર તરીકે જેનું નામ ચાલતું હતું તે હાર્દિક પંડ્યા હજુ અનફિટ હોવાથી તેની વાપસીમાં વિલંબ થઇ શકે છે. હાર્દિક પંડ્યા મુંબઇમાં લેવાયેલી ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો છે અને તેથી ભારત-એના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી તેનું નામ પાછું ખેંચીને તેના સ્થાને વિજય શંકરનું નામ સામેલ કરાતા તે ન્યૂઝીલેન્ડ જવા રવાના થઇ ગયો છે. ભારત-એ ટીમ નયૂઝીલેન્ડમાં બે 50 ઓવરની વોર્મ અપ મેચ, 3 લિસ્ટ એ મેચ અને બે ચાર દિવસની ટેસ્ટ રમશે.