શાહી કુટુંબમાં તિરાડની વાતો વચ્ચે પ્રિન્સ હેરીએ કેનેડા જવાનું મોકૂફ રાખ્યું

બ્રિટનના રાજવી કુટુંબની અગ્રિમ હરોળમાંથી ખસી જવાના પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન માર્કલના નિર્ણય પછી આ શાહી ખાનદાનમાં ફાંટ પડી હોવાની વાતો ચાલી રહી છે અને તે સાથે આ વિવાદ ઉકેલવાના પણ પ્રયાસો ચાલી રહ્યા છે તેવા સમયે પ્રિન્સ હેરીએ હાલ પોતાની પત્ની મેગન અને નાનકડા પુત્ર આર્ચી પાસે કેનેડા જવાનું મોકૂફ રાખ્યું છે. ડયુક એન્ડ ડચેસ ઓફ સસેક્સ હેરી અને મેગને હાલ થોડા દિવસ પહેલા જ જાહેર કર્યું હતું કે તેઓ શાહી ખાનદાનની આગળની હરોળના સભ્ય તરીકેની ભૂમિકામાંથી ખસી જશે અને નાણાકીય રીતે વધુ સ્વતંત્ર એવી ભૂમિકાઓ સ્વીકારશે જ્યારે પોતાનો સમય બ્રિટન અને ઉત્તર અમેરિકા વચ્ચે વહેંચશે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે સસેક્સના ચેરિટિ ભંડોળ હેઠળના તેમના ચેરિટિ કાર્યક્રમો ચાલુ રહેશે. આનાથી શાહી ખાનદાનમાં કટોકટી સર્જાઇ છે અને આ વિવાદ ઉકેલવા પ્રયાસો થઇ રહ્યા છે. શાહી સૂત્રોએ જણાવ્યું હતું કે હેરીનાં દાદી મહારાણી એલિઝાબેથ, પિતા પ્રિન્સ ચાર્લ્સ અને મોટા ભાઇ પ્રિન્સ વિલિયમ વહેલી તકે કંઇક રસ્તો શોધવા પ્રયાસો કરી રહ્યા છે અને વાટાઘાટોમાં પ્રગતિ સારી છે. હેરીની પત્ની મેગન મર્કેલ ભૂતપૂર્વ અમેરિકન અભિનેત્રી છે. ૩૮ વર્ષીય મેગન હેરી કરતા ત્રણ વર્ષ મોટી છે, તે હાલ પોતાના પુત્ર આર્ચી સાથે કેનેડા ગઇ છે. થોડા સમય પહેલા જ તેમના ધામધૂમથી લગ્ન થયા હતા અને તેમનો પુત્ર આર્ચી આઠ મહિનાનો છે.