હિમાચલ પ્રદેશમાં 17 જાન્યુઆરી સુધી ઓરેન્જ એલર્ટ : 600 રસ્તાઓ બંધ

ભારે હિમવર્ષાને પગલે હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં 600 થી વધુ રસ્તાઓ અવરોધાયા છે. આ દરમિયાન હવામાન વિભાગે શનિવારે વધુ વરસાદ અને બરફવર્ષા માટે તા. 17 જાન્યુઆરી સુધી ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે કુફરી અને મનાલી સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શૂન્ય તાપમાનમાં ઠંડીનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે લાહૌલ અને સ્પીતી જિલ્લાના વહીવટી કેન્દ્ર કેલોંગમાં સૌથી ઓછું તાપમાન માઈનસ 14.3 ડિગ્રી નોંધાયું હતું.

શનિવારે સાંજે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એસડીએમએ)ના અધિકારી દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ, સિમલા ઝોનમાં 448 સહિત 632 રસ્તાઓ હજી પણ અવરોધિત છે. 381 અર્થમૂવર્સ, 16 બુલડોઝર અને 43 ટિપર સહિતના 440 જેટલા મશીનો રસ્તાઓ પરથી બરફ સાફ કરવાના કામ પર હતા. જો કે, હિમાચલના રસ્તાને સાફ કરવા માટે આધુનિક ઉપકરણોના અભાવને કારણે હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં વીજળી અને પાણીની સપ્લાય ન થતાં સામાન્ય જીવનને અસર થઇ રહી છે.

હિમાચલ પ્રદેશ સરકાર પાસે રસ્તાઓ પર જમા થયેલ બરફને સાફ કરવા માટે એક પણ બરફ કાપવાનું મશીન નથી. દરમ્યાન, સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું જોર જારી છે. જમ્મુ અને કાશમીરના શ્રીનગરમાં તાપમાન માઇનસ 5 ડિગ્રી નોંધાયું હતું. રાત્રિ દરમિયાન તાપમાન ઘટતા દાલ સરોવર સહિતના અન્ય તળાવો પણ થીજી ગયાં હતાં. દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં માઇનસ 11.5 અને કાઝીગુંડમાં માઇનસ 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લડાખના લેહમાં માઇનસ 18.2 ડિગ્રી જ્યારે કારગીલ જિલ્લાના દ્રાસમાં તાપમાન 29.1 ડિગ્રી નોંધાયું હતું. કાશ્મીર હાલમાં ચિલ્લાઇ કલાંની ગીરફ્તમાં છે આ 40 દિવસનો એ ગાળો છે જેમાં સૌથી વધુ ઠંડી પડે છે.

જમ્મુમાં ડોડા જિલ્લાના ભદ્રેવાહ ખાતે રૌથી ઓછું માઇનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પંજાબ અને હરિયાણામાં પણ કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહી હતી. પંજાબમાં સૌથી વધુ ઠંડી આદમપુરમાં નોંધાઇ હતી અહીં તાપમાનનો પારો 2.1 ડિગ્રી હતો. હરિયાણામાં સૌથી વધારે ઠંડી અંબાલા અને હિસારમાં નોંધાઇ હતી. અંબાલામાં તાપમાન 5.1 અને હિસારમાં 4.2 ડિગ્રી રહ્યું હતું. વનસ્થળી, ચિતોડગઢ અને બુંદીમાં પણ તાપમાન 3.5 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. રાજસ્થાનમાં ભિલવાડામાં સૌથી ઓછું 2.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.