બંધ કવરમાંથી નીકળ્યું ઓમાનના સુલ્તાનનું નામ, હૈથમ બિન તારીક બન્યા નવા સુલ્તાન

શુક્રવારે સાંજે દિવંગત થયેલા ઓમાનના સુલતાન બિન કાબુસ બિન સઈદના ઉત્તરાધિકાર તરીકે સુલ્તાન હૈથમ બિન તારીક બિન તૈમૂર અલ સઈદને ઓમાનના સુલતાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મર્હુમ સુલ્તાને બંધ કવરમાં હૈથમ બિન તારીકનુ નામ લખીને વસીયત કરી હતી. આ વસીયતને આજે ખોલવામાં આવી હતી.

1954 માં જન્મેલા સુલતાન હૈથમ બિન તારિક ઓમાનની સલ્તનતના હેરીટેજ એન્ડ કલ્ચરલ મંત્રી હતા. તેઓ સુલતાન કાબુસ બિન સઈદના કઝીન બ્રધર છે.

સુલતાન હૈથમ બિન તારીક બિન તૈમૂર અલ સઈદે દિવગંત સુલતાન કાબુસ બિન સઈદના વિશિષ્ટ દૂત તરીકે વિવિધ પ્રસંગોએ સેવા આપી હતી અને વિદેશ મંત્રાલયમાં વિવિધ પદ સંભાળ્યું હતું. તેમણે 1986થી 1994 દરમિયાન રાજકીય બાબતોના વિદેશ મંત્રાલયના અન્ડરસેક્રેટરી તરીકે કામ કર્યું, અને બાદમાં વિદેશ મંત્રાલયના સેક્રેટરી જનરલ (1994-2002) તરીકે નિમાયા હતા. તેઓ પ્રસંગોપાત અબુધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઇનેસ શેખ મોહમદ બિન ઝાયદ અલ નહ્યાન, અને યુએઈના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર સાથે વિવિધ તબક્કે મુલાકાતો કરી ચૂક્યા છે.

સુલતાન હૈથમ બિન તારીક 1979માં ઓક્સફર્ડ યુનિવર્સિટી ફોરેન સર્વિસ પ્રોગ્રામમાં ગ્રેજ્યુએટ થયા હતા.  1980ના દાયકાની શરૂઆતમાં તેઓ ઓમાન ફૂટબોલ એસોસિએશનના પ્રથમ વડા હતા અને રમતપ્રેમી તરીકે જાણીતા છે.

સુલતાન હૈથમ “ઓમાન 2040” પ્રોજેક્ટની સમિતીના ચેરમેન પણ છે. તેઓ ઓમાન એસોસિએશન ફોર ડિસેબલ્ડના માનદ પ્રમુખ અને” ઓમાની-જાપાની ફ્રેન્ડશિપ એસોસિએશન “ના માનદ પ્રમુખ પણ છે.