શિવસેનાનાં ધારાસભ્યોને લઈ નારાયણ રાણેનું મોટું નિવેદન, 56માંથી 35 MLAમાં છે અસંતોષ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ દાવો કર્યો છે કે રાજ્યના શિવસેનાના 56 ધારાસભ્યો પક્ષના નેતૃત્વથી અસંતુષ્ટ છે. હાલમાં ભાજપના ક્વોટાના રાજ્યસભાના સભ્ય રાણેએ શનિવારે રાત્રે અહીં યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારનો ‘અસ્વીકાર’ કરી કહ્યું હતું કે રાજ્યમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસને સરકાર બનાવવામાં પાંચ અઠવાડિયાથી વધુનો સમય લાગ્યો છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મહારાષ્ટ્રમાં ભાજપ ચોક્કસપણે સત્તામાં પાછો ફરશે. તેમણે કહ્યું કે ભાજપ પાસે 105 ધારાસભ્યો છે, જ્યારે શિવસેનાના માત્ર 56 છે અને તેમાંથી 35 ધારાસભ્યોમાં અસંતોષ છે. રાણેએ એમ પણ કહ્યું હતું કે ઠાકરે સરકારના ખેડુતોની લોન માફ કરવાનું વચન પણ ‘ખોખલું’ છે કારણ કે તેનો અમલ ક્યારે થશે તેની કોઈ સમય મર્યાદા નથી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ઔરંગાબાદની મુલાકાતનો ઉલ્લેખ કરતા રાણેએ કહ્યું હતું કે તેઓ આ ક્ષેત્રને કોઈ યોજના કે કોઈ ભંડોળ આપ્યા વિના પાછા ફર્યા છે.

તેમણે કહ્યું, ‘આવી સરકારથી આપણે શું અપેક્ષા રાખી શકીએ? તેમને સરકાર ચલાવવા વિશે કંઇ ખબર નથી. તેમણે સરકાર રચવા માટે પાંચ સપ્તાહનો સમય લીધો, જેથી કોઈ પણ વિચારી શકે કે તે કેવી રીતે ચલાવશે.” તેમણે ભાજપ અને રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે હાથ મિલાવવાની અટકળો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે આનો નિર્ણય ભાજપના પ્રમુખ કરશે.