એક ભારતીય-અમેરિકનનો નાસાની નવી અવકાશયાત્રી ટીમમાં સમાવેશ

અમેરિકાની અવકાશ એજન્સી નાસાએ પોતાના ભાવિ અવકાશ કાર્યક્રમો માટે અવકાશયાત્રીઓની એક નવી ટુકડી તૈયાર કરી છે અને તેમાં એક ભારતીય મૂળના એક અવકાશયાત્રીને પણ સ્થાન મળ્યું છે. રાજા જોન વરપુતૂર ચારી નામના આ અવકાશયાત્રી અમેરિકી હવાઇ દળમાં કર્નલ છે, અને તેમનો સમાવેશ નાસાના ૧૧ નવા અવકાશ સ્નાતકોમાં થાય છે જેમણે અવકાશયાત્રી તરીકેની બે વર્ષની પાયાની તાલીમ પૂરી કરી છે અને હવે અમેરિકન અવકાશ એજન્સીના ભવિષ્યના કેટલાક મહત્વાકાંક્ષી કાર્યક્રમોમાં ભાગ લેવા માટે તૈયારી કરે છે, જે કાર્યક્રમોમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક, ચંદ્ર અને મંગળ યાત્રાઓનો સમાવેશ થાય છે. આ સફળ અવકાશયાત્રીઓની પસંદગી ૨૦૧૭ના વર્ષમાં ૧૮૦૦૦ અરજદારોમાંથી કરવામાં આવી હતી, જ્યારે નાસાએ પોતાના આર્ટેમિસ કાર્યક્રમની જાહેરાત કરી હતી.

૪૧ વર્ષીય ચારીની પસંદગી નાસા દ્વારા ૨૦૧૭માં એસ્ટ્રોનોટસ કેન્ડિડેટ ક્લાસમાં જોડાવા માટે કરવામાં આવી હતી. અવકાશયાત્રા માટેની પ્રારંભિક ઉમેદવાર તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ હવે મિશન એસાઇન્મેન્ટ માટે તૈયાર છે. શુક્રવારે અહીં યોજાયેલ એક સમારંભમાં દરેક નવા અવકાશયાત્રીને એક સિલ્વર પિન આપવામાં આવી હતી, આ પરંપરા ૧૯પ૯થી ચાલી આવે છે જ્યારે મર્કયુરી-૭ના અવકાશયાત્રીઓને આવી પિન આપવામાં આવી હતી. આ અવકાશયાત્રીઓએ હજી બીજી ઘણી તાલીમ લેવાની બાકી છે જેમાં રોબોટિકસ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સિસ્ટમો, સ્પેસ વૉકીંગનો મહાવરો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. એક વાર આ અવકાશયાત્રીઓ પોતાની પ્રથમ સ્પેસ ફ્લાઇટ પૂર્ણ કરે પછી તેમને ગોલ્ડન પિન આપવામાં આવશે.