હાલની મુશ્કેલ સ્થિતિમાંથી દેશ અગાઉની જેમ જ બહાર આવી જશે : સુનિલ ગાવસ્કર

માજી દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કર દરેક મુદ્દે પોતાનો નિર્ભિક મત મુકવા માટે જાણીતા છે, ત્યારે હાલમાં દેશમાં ચાલી રહેલી સ્થિતિ અંગે ગાવસ્કરે શનિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતભરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનથી સર્જાયેલી સંકટની સ્થિતિમાંથી દેશ એ રીતે જ બહાર નીકળી આવશે, જે રીતે ભૂતકાળમાં તે ઘણી સંકટની સ્થિતિઓ સામે લડવામાં સફળ રહ્યો હતો.

સિટીઝન્સ એમેડમેન્ટ એક્ટ (સીએએ) વિરુદ્ધ સૌથી પહેલા જામિયા મિલિયા યૂનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન થયું તો તે પછી જવાહર લાલ નહેરુ યૂનિવર્સિટી (જેએનયૂ)માં બુકાનીધારી લોકોએ હિંસા ફેલાવી. ગાવસ્કરે 26મા લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાનમાં કહ્યું હતું કે દેશ મુશ્કેલીમાં છે. આપણા કેટલાક યુવાનો રસ્તાઓ પર ઉતર્યા, જ્યારે કે ખરેખર તો તેમણે ક્લાસમાં હોવું જોઇએ. રસ્તાઓ પર ઉતરવાથી તેમનામાંથી કેટલાકે હોસ્પિટલ જવું પડ્યું.

ગાવસ્કર જો કે એ ભારતમાં વિશ્વાસ ધરાવે છે કે જ્યાંના લોકો સંકટના આ સમયમાંથી બહાર આવી જશે. તેમણે કહ્યું હતું કે આ યુવાનોમાંથી ઘણાં ભણે છે અને પોતાનું ભવિષ્ય બનાવવા અને ભારતને આગળ લઇ જવાનો પ્રયાસ કરે છે. એક દેશ તરીકે આપણે ત્યારે જ આગળ વધી શકીશું, જ્યારે આપણે બધા જ એકજૂથ હોઇશું.