લોડેડ પિસ્તોલ સાથે સુરતમાં 30 પોલીસવાળા ઘૂસી ગયા ફ્લેટમાં, છૂપાયા હતા રાજસ્થાનનાં બે શાર્પશૂટર, પછી શું થયું, જાણો

સુરત ક્રાઈમ બ્રાન્ચે રાંદેર વિસ્તારમાં આજે સવારે દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશનમાં 30 જેટલા પોલીસવાળા લોડેડ ગન સાથે ફ્લેટમાં ઘુસી ગયા હતા. આટલી બધી પોલીસને જોઈને શાર્પશૂટરોના મોતીયા મરી ગયા હતા. પોલીસના ઓપરેશનને લઈ સમગ્ર સુરતમાં ચર્ચા ગરમ બની ગઈ હતી.

વિગતો મુજબ નવસારી એલસીબીના પીએસઆઈ કિર્તીપાલસિંહને બાતમી મળી હતી કે રાજસ્થાનના કોટાના આરકે પુરમ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ અને ભાનુપ્રતાપ ગેંગના શાર્પશૂટર રણજિતની હત્યા કરીને શિવરાજ ગેંગના બે શાર્પ શૂટર રાજસ્થાનથી ભાગીને સુરતના રાંદેર વિસ્તારની ઓપાર્ટમેન્ટના ફ્લેટમાં છૂપાયા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચને આ માહિતી મળતા પોલીસ સક્રીય થઈ ગઈ હતી. અને બન્ને શાર્પશૂટરોને ઝબ્બે કરવા માટે હથિયારો સાથે 30 પોલીસને તૈયાર કર્યા હતા. પોલીસ કમિશનર,તથા અધિક પોલીસ કમિશન(ક્રાઈમ), નવસારી પોલીસ વડાની સીધી સૂચનાથી સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.એ.ગઢવીએ ટીમો બનાવી રાંદેર વિસ્તારમાં પાલનપુર રોડ પર આવેલી શૂભમ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-201ની ઘેરાબંધી કરી હતી. આ ફ્લેટમાં શાર્પશૂટરોએ બહારથી તાળું મારી દીધું હતું. જેથી કોઈને ખબર ન પડે કે ફ્લેટમાં કોઈ રહે છે. સમગ્ર એપાર્ટમેન્ટને પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યું હતું. પોલીસને જોઈને શાર્પશૂટરો હેબતાઈ ગયા હતા. શાર્પશૂટરો કશું કરે તે પહેલાં જ પોલીસે બન્નેને દબોચી લીધા હતા.

આ શાર્પશૂટરોના નામ મોહમદ મનસ્ર પઠાણ અને મોહમદ અનીસ ઉર્ફે ટીન્કુ ખાન છે. બન્ને કોટા રાજસ્તાનના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. પોલીસે બન્નેની પૂછપરછ કરતાં તેઓ રાજસ્થાનની શિવરાજ ગેંગના માણસો હોવાનું કબૂલ્યું હતું અને 22મી ડિસેમ્બરે અજયસિંગ હાડા ઉર્ફે અજય બન્ના, હારુ, શરાફત, મહેશ તથા વિક્રમ બન્ના સાથે મળીને કોટાના શ્રીનાથપુરમ સ્ટેડીયમ ખાતે રણજિત ચૌધરી પર ફાયરીંગ કરી તેની હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ બન્ને ભાગીને સુરત આવી ગયા હતા.