POKને લઈ નવા આર્મી ચીફ નરવાણેનું મોટું નિવેદન: “સંસદ કહેશે તો POK અંગે કાર્યવાહી”

ભારતીય સેનાના વડા જનરલ મનોજ મુકુંદ નરવાણેએ કહ્યું કે જો સંસદ ઇચ્છે તો તે પીઓકે (પાકિસ્તાન હસ્તકના કાશ્મીર) પર પણ કાર્યવાહી કરશે. સેના પ્રમુખે કહ્યું, ‘ આ એક સંસદીય સંકલ્પ છે કે આખો કાશ્મીર ભારતનો એક ભાગ છે. જો સંસદે કહ્યું કે આ ક્ષેત્ર (POK) પણ આપણું હોવું જોઈએ તો તેના માટે આદેશ આપવામાં આવે તો ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

શનિવારે પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં દેશના નવા સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવાણે વિશ્વાસ સંદેશ આપ્યો હતો કે સુરક્ષા પ્રાથમિકતા છે, સુરક્ષા સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં.

આર્મી ચીફે કહ્યું કે સીડીએસની રચના એક મહત્વપૂર્ણ પગલું છે, સીડીએસની રચના સેનાને મજબુત બનાવશે. તેમણે કહ્યું કે ત્રણેય સૈન્ય વચ્ચે સંકલન જરૂરી છે, અમે ભાવિ પડકારો અને ધમકીઓને ધ્યાનમાં રાખીને આયોજન કરીશું અને બજેટનો ઉપયોગ પ્રાધાન્યતાના ધોરણે કરવામાં આવશે.

આર્મી ચીફે કહ્યું કે ક્વોન્ટીટી પર ધ્યાન કેન્દ્રિત કર્યા વિના ક્વોલિટી પર ધ્યાન કેન્દ્રિત કરીશું. પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન આર્મી દ્વારા બે નિશસ્ત્ર નાગરિકોની હત્યા અંગે નરવાણેએ કહ્યું હતું કે, અમે આવી બર્બર પ્રવૃત્તિઓનો આશરો લેતા નથી અને ખૂબ જ પ્રોફેશનલ રીતે લડીએ છીએ. અમે આવી પરિસ્થિતિઓનો યોગ્ય સૈન્ય રીતે જવાબ આપીશું.

તેમણે કહ્યું, ‘ભારતીય સેના પહેલા કરતા વધુ સારી રીતે તૈયાર છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક અને લશ્કરી બાબતોના વિભાગની રચના એ એકીકરણ તરફનું એક મોટું પગલું છે અને તે સફળ થાય તેવું સુનિશ્ચિત કરીશું.

પાકિસ્તાન અને ચીન સરહદ પર સૈન્યને સંતુલિત કરવાની જરૂરિયાત અંગે નરવાણેએ કહ્યું હતું કે, “ઉત્તર અને પશ્ચિમ બંને સરહદોને સમાન ધ્યાન આપવાની જરૂર હોવાથી સંતુલનની જરૂર છે.”