આખરે ઇરાને સ્વીકાર્યુ : ભુલથી તોડી પાડ્યું યુક્રેનનું વિમાન

તહેરાનથી ઉડ્ડયન કર્યાની થોડી જ વારમાં ક્રેશ થયેલા યુક્રેનના વિમાનને તોડી પાડવાની જવાબદારી આખરે ઇરાને સ્વીકારી લીધી છે. ઇરાનની સરકાર તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું હતું કે ઇરાનની મિસાઇલોએ જ વિમાનને ભુલથી નિશાન બનાવ્યું હતું. ઇરાનના વિદેશ મંત્રીએ આ વાતની પુષ્ટિ કરીને અફસોસ વ્યક્ત કર્યો હતો. આ વિમાન દુર્ઘટનામાં 176 લોકોના મોત થયા હતા. જેમાં ઇરાનના 82 અને કેનેડાના 63 નાગરિક હતા. અમેરિકા, કેનેડા. ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશ પહેલાથી જ આ વિમાનને ભુલથી નિશાન બનાવાયું હોવાની વાત કરતાં રહ્યા હતા.

8મી જાન્યુઆરીએ આ વિમાન યુક્રેનના પાટનગર કિવ જઇ રહ્યું હતું. તેમાં કેનેડા અને ઇરાન સિવાય યુક્રેનના 11, સ્વીડનના 10 અને અફઘાનિસ્તાનના 4 જ્યારે બ્રિટન અને જર્મનીના 3-3 નાગરિક સવાર હતા. ઇરાનના વહીવટીતંત્રએ નિવેદન જારી કરીને યુક્રેનનું વિમાન માનવીય ભુલના કારણે નિશાન પર આવી ગયુ હતુ. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. શરૂઆતમાં આ વિમાન દુર્ઘટનાને ઇરાને ટેકનીકલ ખામી ગણાવી હતી. ઓસ્ટ્રેલિયા અને કેનેડાના દાવા વચ્ચે ઇરાને શુક્રવારે કહ્યું હતું કે યુ્ક્રેનનું વિમાન તેમની મિસાઇલનો શિકાર નથી થયું.