ગેંગવોર: મોડી રાત્રે સુરતનો રામપુરા વિસ્તાર ગોળીઓની ધણધણાટીથી ગૂંજી ઉઠ્યું

સુરતના રામપુરામાં આવેલા પેટ્રોલ પંપ પાસે અચાનક ગોળીઓના અવાજથી સમગ્ર વિસ્તાર ધણધમી ઉઠ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 6 રાઉન્ડ ફાયરીંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાડીઓની તોડફોડ કરવામાં આવી હતી અને ઓફીસને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટના આરઝૂ રેસિડન્સી નામની બિલ્ડીંગમાં બની છે. પોલીસે આ કેસમાં અશરફ નાગોરીની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રામપુરાના અશરફ નાગોરી અને મહેતાબ ભૈયાની ગેંગ વચ્ચે પાછલા કેટલાક સમયથી ગેંગવોર ચાલી રહ્યું છે. આજે મોડી રાત્રે અશરફ નાગોરી અને મહેતાબ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે બન્ને વચ્ચે ઝઘડો ચરમસીમાએ પહોંચી ગયો હતો અને બાદમાં બન્ને ગેંગે એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. જાણવા મળ્યા મુજબ એક વ્યક્તિને પગમાં ગોળી વાગી છે.

ચોક, લાલગેટ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. સવાલનો સવાલ એ છે કે સુરતમાં આવી રીતે ખુલ્લેઆમ ફાયરીંગની ઘટના બની રહી છે તો ગેંગસ્ટરો પાસેથી પિસ્તોલ અને રિવોલ્વર ક્યાંથી આવી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે.