ગૃહિણીઓનું કિચન બજેટ નહીં ખોરવાય: ખાદ્ય તેલની નહીં રહે અછત, મોદી સરકાર લાવી રહી છે આ મોટી યોજના

ખાદ્યતેલના ફુગાવા અંગે ચિંતિત મોદી સરકારે નેશનલ મિશન ઓફ એડીબલ ઓઇલ(NMEO)ની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાદ્યતેલની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે કેન્દ્ર સરકાર નેશનલ મિશન ઓફ એડીબલ ઓઇલ પર કામ કરવા જઈ રહી છે અને ટૂંક સમયમાં નેશનલ મિશન ઓફ એડીબલ ઓઇલ શરૂ કરશે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી NMEOના માળખા પર સઘન ચર્ચા ચાલી રહી છે. NMEOનાં વિઝન ડોક્યુમેન્ટને મંજૂરી આપ્યા પછી તેને શરૂ કરવામાં આવશે અને આવતા નાણાકીય વર્ષમાં તેને લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે ગયા મહિને કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન લાવશે, જેનો અમલ થાય ત્યારે તેલની આયાત પરની દેશનું નિર્ભરતા ઘટશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સરકારે NMEO હેઠળ વર્ષ 2024-25 સુધીમાં ખાદ્યતેલના સ્થાનિક ઉત્પાદને આશરે 100 લાખ ટનથી વધારીને 180 લાખ ટન કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

તેમણે કહ્યું હતુ કે આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે  તેલીબિયાંના પાક હેઠળના વિસ્તારને આવતા પાંચ વર્ષમાં 300 લાખ હેક્ટરથી વધુનો કરવામાં આવશે. એક તરફ સરકાર તેલીબિયાંની ઉત્પાદકતામાં 50 ટકા વધારો કરવા માંગે છે અને બીજી તરફ  ખાદ્યતેલના માથાદીઠ વપરાશને લગભગ ત્રણ કિલોગ્રામ ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે.

દેશમાં હાલમાં તેલીબિયાંનું કુલ ઉત્પાદન આશરે 300 લાખ ટન છે, જે આગામી પાંચ વર્ષમાં વધારીને 480 લાખ ટન કરવાનું લક્ષ્યાંક છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ખાદ્યતેલની આયાત ઘટાડીને વિદેશી ચલણ બચાવવા માંગે છે.

દેશનો ખાદ્યતેલ ઉદ્યોગ NMEO લોંચની રાહ જોઈ રહ્યો છે. સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-એસઇએ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે અમે લાંબા સમયથી આની માંગ કરી રહ્યા છીએ અને જ્યારે તે શરૂ થશે ત્યારે અમે દિલથી તેનું સ્વાગત કરીશું. એસ.ઇ.એ.ના કાર્યકારી અધ્યક્ષ ડો.બી.આર. વી.મહેતાએ જણાવ્યું હતું કે દેશમાં ખાદ્યતેલની આયાત પાછળ વાર્ષિક 75,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.

ભારત કુલ ખાદ્યતેલની આયાતનો લગભગ 65 ટકા આયાત કરે છે. પામ તેલની આયાત મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને મલેશિયાની છે જ્યાં બાયોડિઝલમાં પામતેલના ઉપયોગની આવશ્યકતાને કારણે આયાત મોંઘી થઈ ગઈ છે, ભારતમાં તમામ ખાદ્યતેલો મોંઘા થયા છે.