સાયબર ક્રાઈમ રોકવા ગુજરાત પોલીસની તાકાત વધી, ‘વિશ્વાસ અને ‘આશ્વસ્ત’પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા અમિત શાહ

ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ રોકવા તથા ગુન્હા ઉકેલવા માટે ‘વિશ્વાસ’અને ‘આશ્વસ્ત’પ્રોજેક્ટ આજથી કાર્યાન્વિત કર્યો છે. 100 નંબર ડાયલ કરવાથી તથા રાજયના નવનિર્મિત એવા સાત જિલ્લાઓમાં 112 નંબર ડાયલ કરવાથી ત્વરીત મદદ ઉપલબ્ધ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા હોય કે ઈન્સ્યોરન્સના બહાને પૈસા ઉપાડયા હોય કે, ઓ.એલ.એક્સ પર પૈસા ગુમાવ્યા હોય તેવા સાયબર ગુન્હા સંદર્ભમાં આ પ્રોજેક્ટ ઉપયોગી થશે.

ક્રાઈમ રેટ ઘટાડવામાં ગુજરાત પોલીસના પ્રયાસોને બિરદાવીને ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજયની છબિ ધરાવે છે. બદલાતા સમયમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભા થયા છે ત્યારે આ ક્ષેત્રની ગુન્હાખોરી અટકાવવા આ પ્રોજેક્ટ ઉપયોગી તો થશે જ પરંતુ, સાયબર ગુનાથી પીડાતા લોકોને સાચા અર્થમાં વિશ્વસનીય રીતે આશ્વસ્ત કરશે.

અમિત શાહે ઉમેર્યું કે, કાયદો વ્યવસ્થાની જાળવણીમાં ઉત્કૃષ્ઠ સીમાચિહ્નો પ્રસ્થાપિત કરનારી ભાજપના નેતૃત્વવાળી ગુજરાત સરકારે શાંતિ, સુશાસન માટે અનેક ડાયમેન્શન ઉમેર્યાં છે. 1980-90ના દાયકામાં કોમી રમખાણોના રાજય તરીકે ઓળખાતું ગુજરાત આજે વિકાસના રોલમોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. તેના પાયામાં રાજય સરકારની પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને દિર્ઘ દ્રષ્ટિપૂર્ણ આયોજન છે અને ગુજરાતે શાંતિ, સુશાસનની કરેલી અનુભૂતિના મૂળમાં પોલીસની કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપ નથી તે છે.

એક સમય હતો કે ગુજરાતમાં વર્ષમાં 200 દિવસ કરફયુ, જગન્નાથ રથયાત્રા પર હુમલાની ઘટનાઓ આમ બની ગઈ હતી એ જ ગુજરાત આજે સુરક્ષાની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતુ.

કાશ્મીરનો ઉલ્લેખ કરી અમિત શાહે જણાવ્યું હતું કે, કાશ્મિરને દેશથી અલગ કરતી કલમ 370 અને 35-એ હટાવવા દેશનો દરેક નાગરિક ઈચ્છતો હતો પરંતુ તત્કાલીન સરકારોએ મતબેંકની રાજનીતિના પગલે કંઈ ના કર્યું. પરંતુ રાષ્ટ્રભાવથી પ્રેરિત અમારી સરકારે આ કલમ દૂર કરીને કાશ્મિરને દેશનું અભિન્ન અંગ પૂરવાર કર્યું છે તે દેશ કાયમ યાદ રાખશે. અમારી સરકારે ઈન્ટર્નલ અને એક્ષ્ટર્નલ સિક્યુરીટી એ બંને બાજુના પડકારોનો સામનો કરીને સુરક્ષાને જ સર્વોચ્ચતા આપી છે. ઉરી અને પુલવામાના હુમલાના પગલે આતંકવાદી સંગઠનો પર એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપ્યો છે.

દેશની રક્ષા અને કાયદો વ્યવસ્થાની ચર્ચા સુદ્ધાં કરવા અસમર્થ એવા વિપક્ષી દળોનો ઉલ્લેખ કરી શ્રી શાહે જણાવ્યું હતુ કે, CAA સંદર્ભે પ્રજામાં કોઈ શંકા નથી પરંતુ આ બાબતે શંકા-કુશંકાઓ કરીને અપપ્રચાર અને જુઠાંણાના માધ્યમથી શાંતિ ડહોળવાનો પ્રયાસ દેશભરમાં કરાઈ રહ્યો છે તે દુ:ખદ છે પરંતુ દેશની પ્રજા પરિપકવ છે અને આવા જુઠાણાઓને માનવાની નથી. આવા અપપ્રચાર અને જુઠાણાથી શાંતિ ડહોળનારા તત્વોથી લોકો ચેતે તેવી તાકીદ પણ શ્રી શાહે કરી હતી.

આઝાદીથી અત્યાર સુધીના આંતરિક સુરક્ષા જાળવણીમાં શહિદ થયેલા ૩૫ હજાર પોલીસ જવાનોને ઉચિત સન્માન આપવા દિલ્હીમાં બનેલા નેશનલ વૉર મેમોરિયલનો ઉલ્લેખ કરી શ્રી શાહે જણાવ્યું હતુ કે, આ સ્મારકમાં શહિદ જવાનોની બલિદાનની ગાથા પ્રદર્શિત કરાઈ છે. યુવા પેઢી સહિત દેશના લોકો તેની મુલાકાત લે તે માટે અમિત શાહે આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં વિકાસના નવા સીમાચિહ્નો સર  થયા છે અને દેશનું વિકાસ રોલ મોડલ ગુજરાત બન્યું છે તેના પાયામાં  સુદ્રઢ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ રહેલી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો  હતો. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિના લીરા ઉડી ગયા હતા. માફિયાઓ, ખંડણીખોરો અને અસામાજિક તત્વોની રંજાડ વધી ગઈ હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, આવનાર સમયના પડકારોને ઝીલવા ગુજરાત પોલીસે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાઇબર ક્રાઇમ સામે સજ્જતાથી બાથ ભીડી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે હવેનો યુગ સાયબર વોર એટલે કે સાયબર યુદ્ધનો છે.  ગુનેગારો અને ગુનો આચરનારા આવી સાયબર ટેકનોલોજીથી ગુના કરે છે. પરંતુ ગુજરાત પોલીસ નવા નવા ટેકનોલોજીયુક્ત આયામોથી આ સાયબર યુદ્ધ જીતશે જ તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં સાયબર બુલીંગ, સાયબર ક્રાઈમથી થતાં ઓનલાઈન ચીટિંગથી લોકોને છેતરી તેમના પૈસા પડાવી લેતા લેભાગુઓને હવે પળવારમાં પકડી પાડવા સાયબર ‘આશ્વસ્ત’ અને ‘વિશ્વાસ’ના આ પ્રોજેક્ટ્ મહત્વપૂર્ણ ટુલ બનશે, તેમ પણ ઉમેર્યું હતું.