શેન વોર્નની બેગી ગ્રીન કેપ પર 860,500 ડોલરની બોલી લાગતા રચાયો ઇતિહાસ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના પીડિતોને મદદરૂપ થવા માટે પોતાની ઓસ્ટ્રેલિયન ટીમ વતી મળેલી બેગી ગ્રીન કેપની હરાજી કરવાનો નિર્ણય કર્યો અને આજે વોર્નની આ કેપ ક્રિકેટ ઇતિહાસની હરાજીમાં સૌથી ઉંચી બોલી મેળવનારું સ્મૃતિ ચિન્હ બની ગઇ છે. આ લખાય છે ત્યારે એ કેપ પર એમસી સિડની એનએસડબલ્યુ દ્વારા 860,500 ડોલરની બોલી લાગી ચુકી છે અને આ બોલીએ ક્રિકેટના દિગ્ગજોની ચીજ વસ્તુઓની હરાજી પર લાગેલી તમામ બોલીઓને ઘણે પાછળ મુકીને એક નવો ઇતિહાસ રચ્યો છે.

વોર્નની આ કેપ હરાજી માટે મુકાઇ પછી તેને ખરીદવા માટે જાણે કે હોડ મચી હતી અને બે કલાકમાં જ તેની બોલિ 275,00 ડોલર પર પહોંચી ગઇ હતી, અને તે પછી ગુરૂવારે સવારે 11.45 કલાકે એ કેપની બોલી 520500 ડોલર પર પહોંચી ગઇ હતી અને તે પછી પણ એ બોલી સતત ઉપર જતી રહી હતી અને ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યા સુધીમાં તે બોલી 860,500 ડોલર પર પહોંચી ગઇ હતી. હજુ આ બોલી ઉપર જશે, કારણકે હજુ બોલી લગાવવા માટે 7 કલાકથી વધુનો સમય બાકી છે અને ઓસ્ટ્રેલિયામાં શુક્રવારે સવારે 10 વાગ્યા સુધી તેની બોલી લગાવી શકાશે.