ત્રણસો કિલોના મહાકાય શખ્સને હૉસ્પિટલ લઇ જવા માટે છ કલાક જહેમત

બ્રિટનનાં વેસ્ટ મિડલેન્ડસના વોલ્વરહેમ્પટન ખાતે એક બહુમાળી મકાનના પાંચમા માળે રહેતા એક ભારે વજનદાર શખ્સને હૉસ્પિટલ લઇ જવા માટે તેના પાંચમા માળના મકાનની બારીમાંથી બહાર કાઢીને એક ટ્રકમાં મૂકીને લઇ જવો પડ્યો હતો અને આ કામગીરીમાં ૩૦ જેટલા માણસો જોડાયા હતા અને આ કામગીરી પૂરી થતાં છ કલાક જેટલો સમય લાગ્યો હતો.

વોલ્વરહેમ્પટન ખાતે પાંચમા માળના એક ફ્લેટમાં રહેતા જોહન ગ્રોવ નામના પ૧ વર્ષીય શખ્સનું વજન ૩૦પ કિલોગ્રામ જેટલું છે અને પોતાના આ અતિ વજનદાર શરીરને કારણે ઘરમાંથી બહાર પણ નીકળી શકતો નથી. હાલમાં તે બિમાર પડતા તેને હૉસ્પિટલ લઇ જવો પડ્યો હતો અને તે માટે તેને ફ્લેટની બારીમાંથી બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સ્પેશ્યાલિસ્ટ રેસ્કયુ ક્રૂ બોલાવવા પડ્યા હતા જેમણે જોહનના ઘરની ત્રણ બારીઓ તોડવી પડી હતી. તેને બારીમાંથી ક્રેઇન જેવા સાધન વડે સીધો બહાર કાઢીને એક ફ્લેટબેડ ટ્રકમાં મૂકવામાં આવ્યો હતો.

આ સમગ્ર કામગીરીને છ કલાક જેટલો સમય લાગ્યો હતો જેમાં ફાયર ફાઇટરો, પોલીસ અને પેરા મેડિકલ કર્મચારીઓ મળીને ૩૦ જેટલા માણસો કામે લાગ્યા હતા. અગાઉ જૂન ૨૦૧૮માં પણ જોહનને આ જ રીતે હોસ્પિટલે લઇ જવો પડ્યો હતો અને બંને વખત સરકારને દસ હજાર પાઉન્ડ જેટલો ખર્ચ કરવો પડ્યો છે.