કાશ્મીરમાં પ્રતિબંધ: કેન્દ્ર સરકાર પર સુપ્રીમ કોર્ટનું આકરું વલણ, કહ્યું” સાત દિવસમાં કરો નિર્ણયોની સમીક્ષા“

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં સંચાર માધ્યમો પર પ્રતિબંધોને પડકાર આપતી અરજી પર શુક્રવારે સુનાવણી કરી છે. કોર્ટે કહ્યું છે કે, લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી મહત્ત્વની હોય છે. ઈન્ટરનેટની સ્વતંત્રતા બંધારણની અનુચ્છેદ 19નો હિસ્સો છે. સ્વતંત્રતા પર ત્યારે જ પ્રતિબંધ લગાવી શકાય જ્યારે કોઈ વિકલ્પ ન હોય અને દરેક પ્રાસંગિક કારણોની યોગ્ય  રીતે તપાસ કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે સરકારે તે દરેક કારણ રજૂ કરે જેમાં કલમ 144 લગાવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન એક સપ્તાહની અંદર પ્રતિબંધ લગાવવાના દરેક આદેશોની સમીક્ષા કરે. જસ્ટીસ એનવી રમન્ના, જસ્ટીસ સુભાષ રેડ્ડી અને જસ્ટીસ બીઆપ ગવઈની બેન્ચે આ મુદ્દે સુનાવણી કરી છે. જસ્ટીસ રમન્નાએ ચાર્લ્સ ડિકન્સની ટેલ ઓફ ટુ સિટીઝનો ઉલ્લેખ કરીને ચૂકાદો આપવાની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે કાશ્મીરે હિંસાનો લાંબો ઈતિહાસ જોયો છે. અમે  અહીં માનવધિકાર અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આઝાદી વચ્ચે સંતુલન જાળવી રાખવા સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છીએ. આ કોર્ટની જવાબદારી છે કે, દેશના દરેક નાગરિકોને એકસમાન અધિકાર અને સુરક્ષા મળે, પરંતુ એવું લાગે છે કે, સ્વતંત્રતા અને સુરક્ષાના મુદ્દે હંમેશાં ખેંચતાણ રહેશે.

સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે, અનુચ્છેદ 19 અંતર્ગત અભિવ્યક્તિની આઝાદીમાં ઈન્ટરનેટનો અધિકાર પણ આવે છે. અનુચ્છેદ 19(2) અંતર્ગત ઈન્ટરનેટ પર પ્રતિબંધ મામલે પણ સમાનતા હોવી જોઈએ. કોઈપણ કારણ વગર ઈન્ટરનેટ પર પ્રતિબંધ ન લગાવી શકાય. ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવો અથવા તેને બંધ કરવાના નિર્ણયની ન્યાયિક સમીક્ષા થવી જોઈએ. કલમ 144 લગાવવાના મુદ્દે જસ્ટીસ રમન્નાએ કહ્યું કે, માત્ર ઈમરજન્સીની સ્થિતિમાં જ આ કલમ લાગુ કરવી જોઈએ. માત્ર અસહમતીના કારણે કલમ 144 લાગુ ન કરી શકાય. લોકોને અસહમતી દર્શાવવાનો પણ હક્ક છે.

કલમ 144 અંતર્ગત પ્રતિબંધ લગાવવા માટે જમ્મુ-કાશ્મીરના અધિકારીઓને આદેશ આપવાની જરૃર છે. ઈન્ટરનેટને એક નક્કી કરેલી સમયમર્યાદાની જગ્યાએ પોતાની અરજી પ્રમાણે ગમે ત્યાં સુધી બંધ  રાખવું પણ ટેલિકોમ નિયમોનું ઉલ્લંઘન છે.