વિદેશી રાજદૂતોને મળવા બદલ પીડીપીના 8 નેતાઓની પક્ષમાંથી હકાલપટ્ટી

વિદેશી રાજદૂતોની જમ્મુ-કાશ્મીરની મુલાકાત પર વિરોધ પક્ષોએ સરકારની ટીકા કરતા કહ્યું હતું ભાજપના નેતૃત્વવાળી સરકાર ભારતીય રાજકારણીઓને ત્યાં જવા દેવાની મંજૂરી નહીં આપી બેવડા ધોરણ અપનાવી રહી છે. દરમિયાન પિપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી)એ પોતાના 8 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢયા હતા. સરકાર સાથે સુલેહ વાતચીત કરી ‘લોકોની ઈચ્છા વિરૂદ્ધ જવા’ બદલ આ પગલાં લેવાયા હોવાનું પક્ષે કહ્યું હતું. આ નેતાઓ 15 રાજદૂતોના પ્રતિનિધિમંડળને પણ મળ્યા હતા.

પીડીપીએ આપેલા નિવેદનમાં કહેવાયું હતું ‘5 ઓગસ્ટના રોજ ભારત સરકારના એકપક્ષીય નિર્ણયથી લોકોની ભાવનાઓને આઘાત લાગ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે પક્ષના અમુક નેતાઓએ સરકાર સાથેની સુલેહ વાતચીતમાં ભાગ લીધો હતો.’ નિષ્કાષિત નેતાઓએ પીડીપી નેતા સૈયદ અલ્તાફ બુખારીને પોતાનો ટેકો પઆપ્યો હતો જે તે પ્રતિનિધિમંડળના ભાગ હતાં જે મંગળવારે રાજ્યપાલ જી સી મુરમુને મળ્યું હતું.

ગુરુવારે 15 દેશોના રાજદૂતો જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાતે શ્રીનગર પહોંચ્યા તેના થોડા જ કલાકોમાં કૉંગ્રેસે સરકાર પર હુમલા કરતા કહ્યું હતું, ‘સરકાર બેવડા ધોરણ અપનાવી રહી છે, વિદેશી રાજદૂતોને જમ્મુ-કાશ્મીરની મુલાકાતની મંજૂરી આપી રહી છે તો બીજી બાજુ ભારતીય રાજકારણીઓને મંજૂરી આપવામાં આવી નથી રહી.’ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કૉંગ્રેસ આ પ્રકારની મુલાકાતનો વિરોધ નથી કરી રહ્યો પણ ભારતીય રાજકારણીઓને પણ ત્યાંની મુલાકાતની મંજૂરી મળવી જોઈએ.