આજે ત્રીજી ટી-20માં સંજૂ સેમસન-મનીષ પાંડેની અજમાયશ મામલે ભારત મૂંઝવણમાં

શુક્રવારે અહીં સાંજે 7.00 વાગ્યાથી શરૂ થનારી શ્રીલંકા સામેની સીરિઝની ત્રીજી ટી-20માં ભારતીય ટીમ માટે ટીમ સિલેક્શન એક મૂંઝવણ બની ગયું છે. અંતિમ મેચ જીતીને સીરિઝ કબજે કરવાનો ઇરાદો ધરાવતી ભારતીય ટીમ સામે દુવિધા એ વાતની છે કે તે વિજેતા સંયોજન જાળવીને જ મેદાનમાં ઉતરે કે પછી બેન્ચ પર બેસી રહેલા સંજૂ સેમસન અને મનીષ પાંડેનો ટીમમાં સમાવેશ કરે. ઇન્દોરમાં જો કે અનુભવહીન શ્રીલંકન ટીમ કોઇ પડકાર ઊભો કરી શકી ન હોવાથી પાંડે અને સેમસનનો સમાવેશ થવાની સંભાવના ઉજળી બની છે.

મનીષ પાંડેએ હાલની આ સીરિઝ ઉપરાંત છેલ્લી 3 સીરિઝ મળીને માત્ર 1 મેચ રમી છે, જ્યારે નવેમ્બરમાં બાંગ્લાદેશ સામેની સીરિઝથી ટીમમાં વાપસી કરનારા સેમસનને હજુ સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી. ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાને લઇને ભારતીય ટીમ પ્રયોગ કરવા પર ધ્યાન આપી રહી છે, ત્યારે આ બંને ખેલાડી હજુ કસોટીની એરણ પર ટીપાયા નથી. આ તરફ બોલિંગ વિભાગમાં અન્ય સીનિયરોની ગેરહાજરીમાં શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈનીએ ઉમદા પ્રદર્શન કર્યુ છે અને તેમની પાસે પ્રભાવ પાથરવાની વધુ એક તક રહેશે. જસપ્રીત બુમરાહ પોતાની વાપસી મેચમાં એટલું પ્રભાવક પ્રદર્શન કરી શક્યો નથી ત્યારે તે અંતિમ મેચમાં જોરદાર પ્રદર્શન કરવા માગશે.