370 નાબૂદી બાદ પહેલીવાર અમેરિકા સહિત 15 દેશોના રાજદૂતો કાશ્મીરની મુલાકાતે

ભારતમાં અમેરિકી રાજદૂત કેનિથ આઈ જસ્ટર સહિત 15 દેશોના રાજદ્વારીઓનું સમૂહ ગુરુવારે બે દિવસની જમ્મુ-કાશ્મીરની મુલાકાતે અહીં પહોંચ્યું હતું, ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રાજ્યનો વિશેષ દરજ્જો પાછો ખેંચી તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા બાદ રાજદ્વારીઓની આ પ્રથમ મુલાકાત છે. રાજદૂતો ચાર્ટર્ડ વિમાન દ્વારા અહીં આવ્યા હતા ત્યારબાદ તેમને સીધા સેનાની છાવણીમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને માહિતી આપવામાં આવી હતી. તેમણે શ્રીનગરમાં 7 કલાક ગાળ્યા હતા. આ મુલાકાતની વિરોધ પક્ષોએ ટીકા કરી હતી, કોંગ્રેસે કહ્યું હતું સરકાર વિદેશી રાજદૂતોને જમ્મુ-કાશ્મીરમાં લઈ જઈ રહી છે જ્યારે ભારતીય રાજકારણીઓને ત્યાં જવાની મંજૂરી અપાઈ નથી રહી.

જમ્મુ કાશ્મીરના ટોચના અધિકારીઓએ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું, તેઓ બાદમાં જમ્મુ જવાના હતા અને ત્યાં જ રાત્રિ રોકાણ કરવાના હતા. અમેરિકા ઉપરાંત બાંગ્લાદેશ, વિયેટનામ, નોર્વે, માલ્દીવ, સાઉથ કોરિયા, મોરોક્કો અને નાઈજીરિયાના રાજદ્વારીઓ હતા. એક ખાનગી સ્વયંસેવી સંગઠન દ્વારા ઑક્ટોબરમાં યુરોપિયન સંસદના સભ્યોની કાશ્મીર મુલાકાતનું આયોજન કરાયું હતું તે દરમિયાન થયું હતું તેનાથી વિપરીત આ વખતે હડતાળની હાકલ કરાઈ ન હતી અને દુકાનો અને ઓફિસો ચાલુ રહ્યા હતા અને માર્ગ પર વાહનોની અવર જવર થઈ રહી હતી.

રાજદ્વારીઓએ કાશ્મીરના નાગરિક સમાજના સભ્યો સાથે બેઠક કરી હતી, આ દરમિયાન અમેરિકી રાજદૂતે રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબના માલિક સંદીપ છટ્ટુ સાથે લાંબી વાતચીત કરી હતી. ત્યારબાદ રાજદ્વારીઓએ પૂર્વ મંત્રી અલ્તાફ બુખારીના નેતૃત્વવાળા 8 સભ્યોના પ્રતિનિધિમંડળ સહિત વિવિધ રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. નેતાઓએ તેમને ધારા 370 હટાવ્યા બાદ સંભાવિત પગલાઓ અંગે માહિતી આપી હતી. તેમણે ‘ગ્રેટર કાશ્મીર’ના ફયાઝ કાલુ સહિત સ્થાનિક સમાચાર પત્રના તંત્રીઓ સાથે પણ વાતચીત કરી હતી.