ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસનો હંગામો, રાજ્યપાલે પ્રવચન ટૂંકાવવું પડ્યું

CAAને સમર્થન આપતો પ્રસ્તાવ પાસ કરવા માટે એક દિવસનું ગુજરાત વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું હતું અને સત્રના પ્રારંભમાં જ હોબાળો થતા રાજયપાલે પ્રવચન ટૂંકાવ્યું હતું, અને કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર બેનરો સાથે તડાફડી બોલાવી હતી.

આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. આ સત્રમાં કામગીરી શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં ભારે હંગામો મચાવવામાં આવ્યો હતો. બાળકોના મૃત્યુ મામલે કોંગ્રેસના ધારાસભ્યો સૂત્રોચ્ચાર કરતાં વેલમાં ઘસી ગયા હતાં.

વિધાનસભાના એક દિવસીય સત્રમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ પસાર કરવા માંગે છે. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મૃત્યુ અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાતમાં બાળકોના મૃત્યુ, તેમજ ભરતીઓમાં કૌભાંડ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો. અને બેનરો લઈને વેલમાં ધસી આવ્યા હતાં.

આજે રાજ્યપાલ પ્રથમવાર વિધાનસભામાં સંબોધન કરવાના હતાં. પણ વિપક્ષના ભારે હોબાળાને કારણે તેઓ પ્રવચન ટૂંકાવીને ગૃહ છોડી જતા રહ્યાં હતાં. તો સત્રની શરૃઆતમાં જ કોંગ્રેસે કરેલા ભારે હંગામાને કારણે વિધાનસભાને પંદર મીનીટ માટે મુલત્વી રાખવામાં આવી હતી.