અમેરિકાના ડેવોનના ઝૂમાં ડેન્ટિસ્ટે વાઘની રૂટ કેનાલ કરી!

અમેરિકાના ડેવોન ખાતેના પેઇગટન ઝૂ ખાતે ફેબી નામના એક સમાત્રીયન વાઘની નીચેની એક દાઢમાં ફ્રેકચર હતું. આ વાઘને તાકીદે રૂટ કેનાલ કરવાની જરૂર હતી અને એક બહાદુર દંતચિકિત્સકે આ રૂટ કેનાલ કરવાનું બીડું ઝડપ્યું હતું.

પેઇન્ગટન પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલ સુમાત્રાના જંગલમાંથી લાવવામાં આવેલ ૧૧ વર્ષના આ વાઘને તેના જડબામાં નીચેના ભાગની દંતાવલિમાંની એક દાઢમાં ૩.૧પ ઇંચનું ફ્રેક્ચર હતું. આ વાઘને ભોજન લેવામાં પણ તકલીફ પડવા માંડી અને તેને તાકીદે રૂટ કેનાલ કરવાની જરૂર ઉભી થઇ.

આ વાઘને ઘણી લાંબી દાઢ સહિત ૩૦ દાંત હતા અને લગભગ ૯૯ કિલોગ્રામનું વજન ધરાવતા આ મહાકાય વાઘની મોઢાની સર્જરી કરવાનું કામ ખૂબ હિંમત માગી લે તેવું હતું. પરંતુ વેટરનરી ડેન્ટિસ્ટ મેથ્યુ ઓક્સફર્ડે આ કામ કરવાની તૈયારી બતાવી હતી. તેણે પોતાના સર્જીકલ સાધનો વડે આ અને હાથમાં પકડવાના રેડિયોગ્રાફી સાધન વડે આ વાઘ પર સફળતાપૂર્વક રૂટ કેનાલની પ્રક્રિયા કરી હતી. આ રૂટ કેનાલની કામગીરી પૂરી થતાં અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો પણ આ સર્જરી સફળ રહી હતી.