પ્રસિદ્ધ કૃષ્ણા ટી-20 વર્લ્ડકપમાં સરપ્રાઇઝ પેકેજ બનવાના સંકેત આપતો વિરાટ કોહલી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે અહીં શ્રીલંકા સામેની બીજી ટી-20માં વિજય મેળવ્યા પછી એવો સંકેત આપ્યો હતો કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમતો કર્ણાટકનો ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ટી-20 વર્લ્ડકપમાં સરપ્રાઇઝ પેકેજ બની શકે છે. જો કે હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનારી ભારતની સીનિયર ટીમમાં તેનો સમાવેશ કઇ રીતે થાય તે જોવું રહ્યું, કારણ તે ન્યૂઝીલેન્ડ જનારી ભારત-એ ટીમમાં પણ સામેલ નથી.

ભારતના બે ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર સ્પોર્ટસ હર્નિયા અને દીપક ચાહર સ્ટ્રેસ ફ્રેકચરને કારણે લાંબા સમય માટે આઉટ થયા છે, ત્યારે ભારતીય ટીમને એક વધારાના ઝડપી બોલરની જરૂર તો છે જ. આ સ્થિતિમાં કોહલીએ કૃષ્ણાનું નામ લીધુ છે, જે 2018માં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારત-એ ટીમનો હિસ્સો હતો અને હવે જ્યારે કોહલીએ તેનું નામ લીધું છે ત્યારે ટીમમાં સ્થાન મેળવવાની તેની પાસે સારી તક છે. કોહલીએ કહ્યું હતું કે મને લાગે છે કે ઓસ્ટ્રેલિયામાં એક ખેલાડી સરપ્રાઇઝ પેકેજ હશે. પ્રસિદ્ધ કૃષ્ણાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું કર્યું છે અને તેની પાસે સ્પીડની સાથે બાઉન્સ પણ છે.