ટી-20 ઇન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી ઝડપી 1000 રનનો કોહલીનો રેકોર્ડ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અહીં રમાયેલી બીજી ટી-20 ઇન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે ટી-20 ઇન્ટરનેશનલમાં પોતાના 1000 રન પુરા કર્યા હતા. તે એક હજારી બનનારો ધોની પછી બીજો ભારતીય અને વિશ્વનો છઠ્ઠો કેપ્ટન બન્યો હતો, જો કે વિરાટ વિશ્વના અન્ય તમામ કેપ્ટનો કરતાં આ મામલે ઝડપી રહ્યો હતો અને તેણે બીજા બધા કરતાં ઓછી ઇનિંગમાં 1000 રન પુરા કર્યા હતા.

કોહલીએ માત્ર 30 ઇનિંગમાં 1 હજાર રન પુરા કરીને દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસનો રેકોર્ડ તોડ્યો હતો. ડુ પ્લેસિસે કેપ્ટન તરીકે 31 ઇનિંગમાં એક હજાર રન પુરા કર્યા હતા. તેના સિવાય કેન વિલિયમ્સને 36 તો ઇયોન મોર્ગને 42 તો ધોનીએ 57 ઇનિંગમાં 1 હજાર રન પુરા કર્યા હતા. કેપ્ટન તરીકે ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન કરનારાઓની યાદીમાં વિરાટનો નંબર પાંચમો છે, પહેલા ક્રમે 1273 રન સાથે ડુ પ્લેસિસ છે તો ધોની 1112 રન સાથે બીજા ક્રમે છે.