અક્કડ ટ્રમ્પ ઝુક્યા : ઇરાનને શાંતિવાર્તાની ઓફર

એમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે ઇરાકના અમેરિકી એરબેઝ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં કોઈ અમેરિકનને નુકસાન થયું નથી, આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વમાં તનાવને દૂર કરવાના નોંધપાત્ર પગલામાં ઈરાની નેતૃત્વ સાથે શાંતિ સ્થાપવા માટેની ઓફર કરી હતી.    ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ગ્રાન્ડ ફોયરમાં રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું, અમને કોઈ જાનહાનિ થઈ નથી. અમારા તમામ સૈનિકો સલામત છે અને અમારા લશ્કરી બેઝ પર માત્ર નજીવું નુકસાન જ થયું છે. તેમની આ ટિપ્પણી ઇરાને ઇરાકમાં યુ.એસ. સૈન્ય અને ગઠબંધન દળોના ઓછામાં ઓછા બે મથકો પર નિશાન સાધતાં ડઝન બેલેસ્ટિક મિસાઇલોના હુમલાઓના કલાકો પછી આવી હતી, જેને તેહરાને અમેરિકાના ચહેરા પર થપ્પડ ગણાવી હતી.

ટ્રમ્પે કહ્યું કે, જ્યાં સુધી હું યુનાઇટેડ સ્ટેટ્સનો રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી ઈરાનને ક્યારેય પણ પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઇરાની નેતાઓ અને લોકોને સીધા સંદેશમાં ટ્રમ્પે કહ્યું કે જેને શાંતિની જરૂર છે તેની સાથે અમેરિકા વાત કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, ઈરાન સાથે સોદો કરવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ કે જે વિશ્વને સુરક્ષિત અને શાંતિપૂર્ણ સ્થળ બનાવે. અમેરિકાએ ઉર્જા ક્ષેત્રે સ્વાયત્તા હાંસલ કરી હોવાનું જણાવી ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાને મધ્ય પૂર્વના ઓઇલની જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમનો વહીવટ ઈરાન ઉપર તરત જ વધારાના આર્થિક પ્રતિબંધો લાદશે. જ્યાં સુધી ઈરાન તેની વર્તણૂક બદલી નહીં કરે ત્યાં સુધી આ કડક પ્રતિબંધો રહેશે.