વાપી: 10 મીનીટમાં 10 કરોડ રૂપિયાની લૂંટની દિલધડક ઘટના, ગોલ્ડ લોન કંપનીને કરાઈ ટારગેટ

વલસાડ નજીક આવેલા વાપીમાં દિલધડક રીતે કરોડો રૂપિયાની લૂંટની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. અજાણ્યા લૂંટારૂઓએ ફાયનાન્સ કંપનીના કર્મચારીઓને બંધક બનાવી કરોડો રૂપિયાના ઝવેરાતની લૂંટ ચલાવી હોવાની જાણ થતાં પોલીસ હરકતમાં આવી જવા પામી છે અને લૂંટારૂઓને ઝડપી પાડવા માટેના ભરચક પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. લૂંટ ચલાવવામાં લૂંટારૂઓએ ફૂલપ્રુફ પ્લાનીંગ કર્યું હતું અને માત્ર 10 મીનીટમાં 10 કરોડની લૂંટ કરી હતી.

વિગતો મુજબ વાપીના ચણોદમાં આવેલી IIFL  gold loan નામની કંપનીમાં આજે સવારે અચાનક લૂંટારૂઓ ત્રાટક્યા હતા. કંપનીના કર્મચારીઓને બંધક બનાવી ઓફીસમાં રોકડ રકમ, સોના-ચાદીના દાગીના સહિતની મોંઘીદાટ વસ્તુઓની લૂંટ કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લૂંટનો આંકડો અંદાજે 10 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ચણોદ ખાતે આવેલી ફાયનાન્સ કંપની ખાતે દોડી ગયા હતા. કંપની અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ કબ્જે લેવામાં આવી રહ્યા છે અને લૂંટારૂઓની ઓળખ કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસે મુંબઈ અને સુરત તરફના રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી હોવાની જાણકારી મળી રહી છે.