હિમાચલના 8 જિલ્લામાં 4 ફૂટ જેટલો બરફ, સિમલામાં 43 પર્યટકોને બચાવાયા

હિમાચલ પ્રદેશમાં નવેસરથી થયેલી બરફવર્ષા બાદ 8 જિલ્લાઓમાં 4 ફૂટ સુધી બરફ જામ્યો છે. જેને કારણે 250 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. પ્રદેશમાં 2436 વીજળી સપ્લાય લાઇન અવરોધિત થઇ છે. શિમલામાંથી 43 પર્યટકોને ઉગારી લેવામાં આવ્યા હતા. પાકિસ્તાનની ઉપર બનેલા સિસ્ટમના લીધે આવનારા 24 કલાકમાં ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં વરસાદ થવાની સંભાવના હવમાન વિભાગે દર્શાવી છે.

દિલ્હી ઉપરાંત અલમોડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં બુધવારે વરસાદ થયો હતો. સફદરગંજ હવામાન કેન્દ્ર પ્રમાણે, સવારે 5.30 વાગ્યા સુધી 6 મીમી, પાલમમાં 5 મીમી વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં સવારે 11 વાગ્યાની આસપાલ પારો 13 ડિગ્રી સે. પર પહોંચ્યો હતો. દિવસ દરમિયાન પણ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહ્યુ હતુ. દેશના ઉત્તરીય ભાગમાં આવનારા 24 કલાકમાં ઠંડી વધુ વધે તેવી સંભાવના છે.

લોકપ્રિય પર્યટન સ્થળ સિમલા-મનાલી ન જવા સલાહ

બુધવારે અધિકારીઓએ લોકોને સલાહ આપી હતી કે લોકો લોકપ્રિય પર્યટન સ્થળો સિમલા અને મનાલી પર ન જાય કારણ કે ભારે હિમવર્ષાને કારણે હિમાચલ પ્રદેશમાં 250 થી વધુ રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા છે. સિમલા પોલીસે તેના ફેસબુક પેજ પર પોસ્ટ કરેલા સંદેશમાં જણાવ્યું છે કે શહેર તરફ જતા તમામ રસ્તાઓ અવરોધિત છે. સિમલાના એસપી ઓમાપતિ જામવાલે જણાવ્યું હતું કે રસ્તાઓ ખુલ્યા સુધી મુસાફરી ન કરવી યોગ્ય રહેશે. સિમલામાં પ્રવાસીઓ ઘણા કલાકોથી અટવાયેલા છે કારણ કે રસ્તાઓ બરફથી ઢંકાયેલા છે. તેવી જ રીતે, કુલ્લુ પોલીસે કહ્યું કે ભારે હિમવર્ષાને કારણે મનાલીના નીચલા વિસ્તારોને અવરોધિત કરવામાં આવ્યા હોવાની જાણ કરી હતી. કુલ્લુના એસપી ગૌરવસિંહે જણાવ્યું હતું કે ગ્રીન ટેક્સ અવરોધથી આગળ વાહનોને મંજૂરી નથી.