મુંબઈ પોલીસને મળી મોટી સફળતા: દાઉદ ઈબ્રાહીમનો ખાસ ગેંગસ્ટર એજાઝ લાકડાવાળા ઝડપાયો

દાઉદ ઈબ્રાહીમના એકદમ ખાસ મનાતા ગેંગસ્ટર એજાઝ લાકડાવાળાની મુંબઈના એન્ટી એક્સટોર્શન સેલે(AEC) આજે સવારે ધરપકડ કરી છે. એજાઝને 21મી જાન્યુઆરી સુધી રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. આ પહેલાં એજાઝની દિકરી સોનિયા લાકડાવાળા ઉર્ફે સોનિયા શેખની પોલીસે ખંડણીના કેસમાં ધરપકડ કરી હતી. બન્ને બાપ-દિકરીએ વેપારી પાસે ખંડણી માંગી હોવાની ફરીયાદ બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. એજાઝને બિહારના પટનામાંથી પકડી પાડવામાં આવ્યો છે. તે પાછલા 20 વર્ષથી ભાગતો ફરતો હતો. એજાઝ 27 કેસમાં વોન્ટેડ હતો.

સોનિયા શેખ એ એજાઝ લાકડાવાળાની દિકરી છે. લગ્ન પછી તેનું નામ સોનિયા શેખ થયું છે. સોનિયાએ પિતા એજાઝ વતી વેપારી પાસેથી ખંડણી માંગી હતી. બોગસ પાસપોર્ટના આધારે 28મી ડિસેમ્બરે ભારતમાંથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતી ત્યારે પોલીસે તેને ઝડપી પાડી હતી. સોનિયા 10મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે.

એજાઝ વતી સોનિયાએ વેપારી પાસેથી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. વેપારી પાસે આવેલા માણસે પોતાની ઓળખ એજાઝ લાકડાવાળા તરીકે આપી હતી. બોગસ પાસપોર્ટ ઉપરાંત ધમકી અને ખંડણી માંગવાના કેસમાં સોનિયાને પકડી લેવામાં આવી હતી.

કોર્ટમાં બચવાપક્ષે દલીલ કરી હતી કે પોલીસે જણાવ્યું છે કે ખંડણીનું રેકેટ 2005થી ચાલી રહ્યું છે પરંતુ સોનિયા માત્ર 6-7 વર્ષથી જ ભારતમાં રહે છે. પોલીસે આ કેસમાં એજાઝ અન્ય ગેંગસ્ટર સાગર યાદવની પણ ધરપકડ કરી છે. સાગર યાદવે એજાઝ વતી ડેવોલપર પાસે 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.