સુરત-ઓલપાડના માસમા ગામ પાસે ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ : લપેટમાં આવેલી સ્કૂલ બસના બાળકોનો બચાવ

સુરત-ઓલપાડ રોડ પર માસમા ગામ નજીક આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટનાને કારણે મોટી દહેશત ફેલાઇ હતી, જો કે સદનસીબે આ આગમાં કોઇ જાનહાની થઇ નહોતી માસમા રોડ પર વહેલી સવારે 6.30 વાગ્યે ગેસના બોટલ ભરીને જતી ટ્રકમાં એકાએક આગ લાગી ગઈ હતી. જેના કારણે ટ્રકમાં ભરેલાં ગેસ સિલિન્ડર રસ્તા પર વિખેરાઈ ગયા હતા. અને તેમાંથી અમુક સિલિન્ડર ધડાકાભેર ફૂટ્યા લાગ્યા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થતી સ્કૂલ બસ-રીક્ષા સહિતના વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનાને પગલે ઓલપાડ કોસ્ટલ હાઈવે બંધ કરાયો હતો.

સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. માત્ર એક સ્કૂલ બસનાં ડ્રાઈવર અને કંડક્ટરને સામાન્ય ઈજા પહોંચી હતી. એટલું જ નહીં સિલિન્ડર ફાટવાના કારણે ગેસનાં સિલિન્ડર હવામાં ઉછળીને 500મી દૂર ગામની અંદર પડ્યા હતા, જેના કારણે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે વહેલી સવારે આ દુર્ઘટના સર્જાતાં મોટી જાનહાનિ થતાં અટકી ગઈ હતી. સવારે 9 વાગ્યા બાદ જો આ આગ લાગી હોત તો અનેક લોકો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત

ગેસ સિલિન્ડર ફૂટવાનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના અનેક કિમી દૂરનાં વિસ્તારોમાં તેનો અવાજ સંભળાયો હતો. તો ગેસનાં સિલિન્ડરો ધડાકાભેર ફાટતાં ગામમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. બોમ્બ ફૂટ્યો હોવા જેવો અવાજ આવતાં લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. અને બહાર સિલિન્ડરો ફાટતાં જોઈ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જો કે ગણતરીનાં કલાકોમાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ગેસ સિલિન્ડરની ટ્રકમાં લાગેલી આગની લપેટમાં સ્કૂલ બસ પણ આવી :  ડ્રાઇવર-ક્લિનરની સમયસૂચકતાથી બાળકો બચ્યા

ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગ્યા બાદ રોડ પર ડિવાઈડરની સામે બાજુથી પસાર થતી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની બસ પ્રચંડ આગની જ્વાળાઓમાં આવી ગઈ હતી. જો કે, તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સિમેન્ટ ભરેલી આઈસર ટેમ્પો ટ્રક બસ સાથે અથડાઈ હતી. ગેસના બાટલાઓ લઈ જતી ટ્રકમાં લાગેલી આગ જોઈને તરત જ ડ્રાઈવર અનંત પટેલ અને કંડક્ટર રમેશ પટેલે એક બાદ એક બાળકોને નીચે ઉતારવાનું શરૂ કરી દીધું હતું. અને તમામ બાળકોને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હતા. બસમાંથી તમામ બાળકોને દૂર લઈ ગયા બાદ થોડી જ વારમાં ટ્રકમાં લાગેલી આગની જ્વાળાઓએ સ્કૂલ બસને ચપેટમાં લઈ લીધી હતી.