CAA અંગેની અરજીઓ: ચીફ જસ્ટીસે કહ્યું “હિંસા બંધ થયા બાદ થશે સુનાવણી”

નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) ને બંધારણીય ગણાવીને સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ આકરી ટિપ્પણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે દેશ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તેથી આવી પીટીશન દાખલ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી.

ગુરુવારે સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, દેશ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આવા સમયે દરેકનું લક્ષ્ય શાંતિ સ્થાપિત કરવાનું હોવું જોઈએ. આવી અરજીઓ મદદરૂપ થશે નહીં. હજી પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાયદો બંધારણીય છે કે કેમ.

મુખ્ય ન્યાયાધીશે આ દરમિયાન કહ્યું હતું કે સંસદ દ્વારા કરવામાં આવેલા અધિનિયમ બંધારણીય છે તે આપણે કેવી રીતે જાહેર કરી શકીએ? હંમેશા બંધારણીયાતનું અનુમાન જ લગાવી શકાય છે.

ગુરુવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) વિરુદ્ધ દાખલ કરેલી તમામ અરજીઓ સુનાવણી ત્યારે જ શરૂ કરશે જ્યારે હિંસા સંપૂર્ણ રીતે બંધ થઈ જાય. CAA)ને બંધારણીય જાહેર કરવા એડવોકેટ વિનીત ઢાંડા વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે, જસ્ટીસ બી.આર.ગવાઈ અને જસ્ટીસ સૂર્યકાંતની ખંડપીઠ કરી રહી છે.

અત્રે નોંધનીય છે કે આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સુધારા કાયદાની વિરુદ્ધ અનેક અરજીઓ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈની સુનાવણી થઈ નથી. મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા આ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં ડઝનેક અરજીઓ દાખલ થઈ ચૂકી છે. એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સહિતના કેટલાય નેતાઓ, સંગઠનોએ સીએએને બિન બંધારણીય જાહેર કરવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.