બ્રિટિશ મ્યુઝિયમે ભારતીય પેન્ટિંગ ખરીદવા 4.40 લાખ પાઉન્ડનું ભંડોળ ભેગું કર્યુ

લંડનમાં આવેલા પ્રતિષ્ઠિત બ્રિટિશ મ્યુઝિયમે એક અનુપમ વોટરકલર પેન્ટિંગ ખરીદવા 4,40,000 પાઉન્ડનું ભંડોળ ભેગું કર્યું હતું, જેમાં 18મી સદીના મધ્યમાં ઉત્તરી ભારતમાં પારંપરિક સંગીતમય કાર્યક્રમને ચિત્રિત કરવામાં આવ્યું હતું.

ગુલેરના નૈનસુખ (1710-1778) દ્વારા બનાવવામાં આવેલા ‘ટ્રમ્પેટર્સ’ને બ્રિટનની ડિજીટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ મંત્રાલયે 2018માં નિકાસ કરવાથી અટકાવ્યુ હતું જેથી તે બ્રિટનની બહાર નહીં જાય. આ તસવીરને નિષ્ણાતો ‘જવલ્લે મળતી ક્ષમતાનું લઘુ ચિત્ર’ માને છે. બ્રિટનના આર્ટ ફંડ, નેશનલ હેરીટેજ મેમોરિયલ ફંડ (એનએચએમએફ) અને બ્રુક સ્વેલ પર્મેનન્ટ ફંડની મદદથી બ્રિટિશ મ્યુઝિયમે આ સપ્તાહમાં જાહેર કર્યું હતું કે આ ‘માસ્ટરપીસ’ હવે તેમના સંગ્રહમાં સામેલ થયું છે અને મ્યુઝિયમના સર જોસેફ હાટંગ ગેલેરી ઓફ ચાઈના એન્ડ સાઉથ એશિયામાં મફતમાં પ્રદર્શન માટે રખાયું છે.

‘નૈનસુખ’ ભારતના મહાનતમ ચિત્રકાર હતા અને તેમના ચિત્રકામ તેમની વિશેષ પ્રતિભાને દર્શાવે છે, એમ બ્રિટિશ મ્યુઝિયમના ક્યુરેટર ઈમ્મા રામોસે કહ્યું હતું. આ ચિત્ર તેમણે પોતાની કારકિર્દીની ઊંચાઈ પર હતા ત્યારે બનાવ્યું હતું ત્યારે તેઓ ભારતના શાસક જસરોતા, રાજા બળવંત સિંહ માટે કાર્ય કરતા હતા.