પ્રજાવિરોધી નીતિઓ સામે ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાળ

આજે ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું હોવાથી સમગ્ર દેશમાં બૅન્કિંગ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવાઓને અસર થઈ છે. સરકારની ‘પ્રજાવિરોધી’ નીતિઓ સામે હડતાળમાં આશરે 25 કરોડ લોકો ભાગ લેનાર હોવાનું જણાવાયું છે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ  જાહેર કરેલી દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. આ ટ્રેડ યુનિયનો સહિત જુદા જુદા બેન્કિંગ સંઘો અને ફેડરેશનોએ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હડતાળ પર જવાની જાહેરાત કરી હતી. આજની હડતાળ દરમિયાન સાર્વજનિક વાહનવ્યવહાર, દૂધ અને શાકભાજીથી લઇને નેટબૅન્કિંગ , એટીએમ અને ફંડ ટ્રાન્સફર જેવી સુવિધાઓ પર અસર પહોંચી થઈ છે.

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો ઇન્ટુક, આઇટુક, એચએમએસ, સીટુ, એઆઇયુટીયુસી, ટીયુસીસી, સેવા, એઆઇસીસીટીયુ, એલપીએફ અને યુટીયુસીએ સોમવારે આપેલા એક સંયુક્ત નિવેદનમાં કહ્યુ હતું કે, આ દેશવ્યાપી હડતાળમાં ઓછામાં ઓછા 25 કરોડ લોકોની ભાગીદારીની આશા છે. સરકારની કામદાર વિરોધી, પ્રજા વિરોધી અને રાષ્ટ્ર વિરોધી નીતિઓ પાછી ખેંચવાની માગ કરવામાં આવી રહી છે.

કેટલીક બેન્કોએ બુધવારે હડતાળ અને બેન્કિંગ સેવાઓ પર હડતાળના કારણે પડનારી અસરની માહિતી સ્ટોક એક્સચેન્જને પહેલાથી જ આપી દીધી છે. ઓલ ઇન્ડિયા બૅન્કિંગ એમ્પલોઇ એસોસિએશન, ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન, બીઇએફઆઇ, આઇએનબીઇએફ, આઇએનબીઓસી તથા બેંક કર્મચારી સેના મહાસંઘે પણ હડતાળમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. આ હડતાળના કારણે ચેક ક્લિયરિંગ સહિતની બૅન્કિંગ સેવાઓ પર અસર પડી છે. જો કે, ખાનગી બેન્કોનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. પશ્વિમ બંગાળમાં ડાબેરીઓ તેમજ ટ્રેડ યુનિયનોએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના વિરોધમાં બંધનું એલાન આપ્યું છે જો કે રાજ્ય સરકારે આવા કોઇપણ બંધને ટેકો આપવાનો ઇનકાર કરી દીધો છે.