કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ફરી બરફવર્ષા, બે દિવસથી શ્રીનગર હાઇવે બંધ

કાશ્મીર સહિત ઉત્તરના રાજ્યોમાં ફરી બરફવર્ષા શરૂ થઇ ગઇ છે. મંગળવારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષા સાથે કેટલાંક ઠેકાણે વરસાદ પણ નોંધાયો હતો. જ્યારે પંજાબ, પશ્વિમી રાજસ્થા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં સવારે ભારે ધુમ્મસ છવાયું હતું. રાજધાની દિલ્હીમાં પણ હળવો વરસાદ પડ્યો હતો અને તાપમાન ઘટીને 11.6 ડિગ્રી પર પહોંચી ગયું હતું.

હવામાન વિભાગે કહ્યું હતું કે, પર્વતીય ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે સપ્તાહના અંત સુધી તાપમાનમાં સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. જમ્મુ અને કશ્મીર ઉપરાંત હિમાચલ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં બુધવાર સુધી ભારે પવનો ફૂંકાશે. હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષાના કારણે સીમલા, મનાલી, કુફરી અને ડેલહાઉસીમાં 100 જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા હતા.

કાશ્મીરમાં થયેલી બરફવર્ષાના કારણે સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં તાપમાન માઇનસ 6 ડિગ્રી થઇ ગયું હતું પહેલગામમાં પારો માઇનસ 3.9 અને દક્ષિણ કાશમીરમાં તાપમાન માઇનસ 1.3 ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગરથી ઉડતી ફ્લાઇટ્સ તો સામાન્ય રહી હતી પરંતુ વૈષણોદેવીની હેલિકોપ્ટર સેવા બંધ કરવાની ફરજ પડી હતી. શ્રીનગરને દેશના અન્ય ભાગો સાથે જોડતો 270 કિલોમીટર લાંબો જમ્મુ – શ્રીનગર હાઇવે આજે સતત બીજા દિવસે પણ બંધ રહ્યો હતો.