Budget 2020: મનગમતું બજેટ ઈચ્છો છો તો અહીંયા મોકલો PM મોદીને તમારા મહત્વના સૂચનો

હવે બજેટ રજૂ કરવામાં માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ તેમનું બીજું સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટની તૈયારી કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતા પાસેથી બજેટ માટેનાં સૂચનો માંગ્યા છે. વડા પ્રધાને પોતાના ટવિટર હેન્ડલથી ટવિટ દ્વારા બજેટ અંગે સામાન્ય લોકોનો અભિપ્રાય માંગ્યો છે.

તમને જણાવી દઇએ કે પાંચમી જાન્યુઆરીએ MyGovના ટવિટર હેન્ડલ દ્વારા લોકો પાસેથી કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે સુધારણા માટે સૂચનો માંગવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફક્ત આ ટવિટને જ રિ-ટવિટકર્યું છે.

વડા પ્રધાને પોતાના ટવિટ લખ્યું કે કેન્દ્રીય બજેટ 130 કરોડ ભારતીયોની આકાંક્ષાઓને રજૂ કરે છે. તેમણે લખ્યું કે બજેટ ભારતના વિકાસમાં વધારો કરવા જઈ રહ્યું છે. તેમણે  ટવિટમાં લખ્યું છે કે MyGovપર આ વર્ષના બજેટ માટે તમારા વિચારો અને સૂચનો શેર કરવા હું તમને બધાને આમંત્રણ આપું છું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવમી જાન્યુઆરીએ નીતિ આયોગમાં નિષ્ણાંતો સાથે બેઠક કરશે. આગામી સામાન્ય બજેટને જોતા બેઠકમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા થવાની સંભાવના છે. નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમાર, મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નીતિ આયોગ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

નાણાકીય વર્ષ 2019 – 20માં જીડીપીનો દર પાંચ ટકા રહેવાનો અંદાજ છે. 2018-19 દરમિયાન તે 6.8 ટકા પર હતો. મંગળવારે સરકારે આ માહિતી આપી. આ આંકડા વિકાસ દરમાં તીવ્ર ઘટાડો દર્શાવે છે. ઉદ્યોગ અને કોર સેક્ટરમાં પણ મંદી છે. બીજા ક્વાર્ટરમાં વિકાસ દર ઘટાડીને 4.5 ટકા કરવામાં આવ્યો છે.