પ્યુરેટો રિકોમાં 6.4 તીવ્રતાનો ધરતીકંપ : કેટલાક વિસ્તારોમાં નુકસાન

પ્યુરેટો રિકોમાં મંગળવારે મળસ્કે 6.4 તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું, હાલના દિવસોમાં અહીં આવેલા ધરતીકંપો પૈકી આની તીવ્રતા સૌથી વધુ હતી. પ્યુરેટો રિકોના વીજ ખાતાએ જણાવ્યું હતું કે દેશના મુખ્ય પાવર પ્લાન્ટો પૈકી એક ધરતીકંપના કેન્દ્ર બિન્દુની પાસે સ્થિત છે, તેમાં ક્ષતિ થઈ હતી, જો કે બપોર સુધી દ્વિપ પર વીજ પુરવઠો ફરીથી શરૂ કરી શકાશે એવી અધિકારીઓની અપેક્ષા છે. અમેરિકાના ભૂસ્તરીય સર્વેએ કહ્યું હતું સવારે 4.24 વાગે દ્વિપના દક્ષિણમાં જમીનથી 10 કિ.મી. નીચે ધરતીકંપ આવ્યો હતો. બાદમાં 5.6થી 4.5 તીવ્રતાના કેટલાક આંચકાઓ આવ્યા હતા.

પહેલા પ્યુરેટો રિકો અને યુએસ વર્જીન આઈલેન્ડ માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી પણ બાદમાં તેને રદ્દ કરાઈ હતી. ધરતીકંપમાં ગ્યુયાનિલ્લા ટાઉનમાં એક ચર્ચ તૂટી પડયું હતું. ધરતીકંપ સંબધિત ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે દ્વિપના મોટા ભાગના વિસ્તારોથી સંપર્ક તૂટી જવાના કારણે ધરતીકંપના કારણે થયેલા નુકસાન અથવા ઈજાગ્રસ્તો અંગેની માહિતી મળી નથી, જો કે દ્વિપ પર મોટા પાયે નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા છે.